વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે છઠ્ઠા સ્થાપના દિનની ઊજવણીના ભાગરૂપે સોમવારે યુનિ.માં નવીન શરૂ થનાર નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ હોસ્પિટલનું સાંસદ શારદાબેન પટેલ અને સામાજિક કાર્યકર સોમાભાઇ મોદીના હસ્તે શિલાસ્થાપન અને ભૂમિપૂજન કરાયું હતું.
આ પહેલાં સવારે યુનિ.ના પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલ, પ્રોવેસ્ટ ડો.જે.આર. પટેલ સહિત કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા જરૂરમંદ લોકો માટે માનવતાની દીવાલનું લોકાર્પણ કરાયું હતું. તેમજ કોલેજોના સ્ટાફ દ્વારા ટોર્ચમાર્ચ અને રેલી કઢાઇ હતી. જે સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વ. ભોળાભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી સાથે પૂર્ણ થઇ હતી.
જ્યારે જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠના હસ્તે રિસર્ચ કોમ્પોડિયમ, સ્ટુડન્ટ મેગેઝિનની બીજી આવૃત્તિ અને કોફી ટેબલબુકનું વિમોચન તેમજ ગુજરાતી લેખક જય વસાવડાએ સામાન્ય જીવનમાં શિક્ષણ અને શિક્ષકના મહત્વ વિશે મોટીવેશનલ સ્પીચ આપી હતી.
આ પ્રસંગે યુનિ.ના વિકાસમાં ઉમદા કામગીરી કરનારને પ્રેસિડેન્ટ પ્રકાશભાઇ પટેલ સહિતના હસ્તે એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે કર્મવીર સ્વ. સાંકળચંદ દાદાને યાદ કરી 6 વર્ષમાં ગુજરાત અને દેશની નામાંકિત યુનિવર્સિટીમાં સ્થાન પ્રાપ્ત કરવા બદલ સ્ટાફના યોગદાનને બિરદાવ્યું હતું. સાથે આગામી સમયમાં યુનિવર્સિટી વિશ્વસ્તરે નામ રોશન કરે તેવી આશા વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.