ઉનાવા માર્કેટયાર્ડના 30 વેપારીઓ પાસેથી રાયડો અને એરંડા ખરીદી ચૂકવવાની રકમ પેટે આપેલા ચેક રિટર્ન થતાં રૂ.3.49 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં ધરપકડ કરાયેલ બંને આરોપીઓએ વિસનગર સેશન્સ કોર્ટમાં મુકેલ જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે.
ઊંઝાના ઐઠોરના મોદી ચિરાગકુમાર દિલીપભાઇ ઉનાવા યાર્ડમાં જયવીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં રાયડો, એરંડા, કપાસ સહિત માલના કમિશન એજન્ટ તરીકે વેપાર કરે છે. આ જ એપીએમસીમાં સિદ્ધપુરના ગણેશપુરાના રાજપૂત વિજયસિંહ નટવરસિંહ અને સુજાણપુરના પટેલ ગિરીશભાઇ મફતલાલ જય ગોપાલ ટ્રેડિંગ કુ. નામની ફર્મ સાથે માલની ખરીદી કરતા હતા.
આ બંને વેપારીઓ જોડે ચિરાગભાઇએ અલગ અલગ તારીખે રાયડા અને એરંડાનો રૂ.44,53,714નો વેપાર કર્યો હતો. જે પેટે આપેલ ચેક બેન્કમાં બેલેન્સ ન હોવાથી રિટર્ન થયો હતો. આથી ચિરાગભાઇએ તપાસ કરાવતાં ઉનાવા માર્કેટયાર્ડના 30 વેપારીઓ પાસેથી રૂ.3,49,07,730ના માલની ખરીદી કરી નાણાં નહીં ચૂકવ્યા હોવાનું જાણવા મળતાં તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થયો હતો.
આથી ચિરાગભાઇ મોદીએ ઉનાવા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગીરીશ મફતલાલ પટેલ અને રાજપૂત વિજયસિંહ નટવરસિંહ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. દરમિયાન, આ બંને આરોપીઓએ વિસનગર સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ આર.બી. દરજીની દલીલો ગ્રાહ્ય રાખી એડીશનલ સેશન્સ જજ યુ.એમ. ભટ્ટે બંનેની જામીન અરજી નામંજૂર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.