કાર્યવાહી:કાંસામાં પાણી ઢોળવા મામલે આધેડના માથામાં કાંખઘોડી મારી હત્યાની કોશિશ

વિસનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિસનગર શહેર પોલીસ મથકે હુમલાખોર સામે હત્યાના પ્રયાસનો ગુનો
  • ઝઘડા બાદ ઘરે સૂઇ ગયેલા ઇજાગ્રસ્તને ખેંચ આવતાં હોસ્પિટલમાં દાખલ

વિસનગર તાલુકાના કાંસા ગામમાં ઘર આગળ હાથ ધોઇ રહેલા આધેડને પાણી કેમ ઢોળો છો તેમ કહી ઝઘડો કરનાર શખ્સે કાંખઘોડી માથાના ભાગે મારી જીવલેણ હુમલો કર્યો હતો. જે બનાવ અંગે ઇજાગ્રસ્તની પત્નીએ વિસનગર શહેર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે.

કાંસા ગામના વણકરવાસમાં રહેતા તુરી ત્રિભોવનભાઇ મોહનભાઇ ગત શનિવારે ભોજન લીધા બાદ તેમના ઘર આગળ હાથ ધોતા હતા. ત્યારે મહોલ્લામાં રહેતા સોલંકી દિનેશભાઇ રેવાભાઇએ કેમ પાણી ઢોળો છો તેમ કહેતાં ત્રિભોવનભાઇએ હું મારા ઘર આગળ હાથ ધોઉં છું, રસ્તામાં ક્યાં પાણી ઢોળું છું તેમ કહ્યું હતું. આથી ઉશ્કેરાઇ ગયેલા દિનેશભાઇએ અપશબ્દો બોલી એલ્યુમિનિયમની કાંખઘોડી ઢીંચણ તેમજ માથાના ભાગે મારતાં મચેલા હોબાળાો પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ મામલો શાંત પાડ્યો હતો.

દરમિયાન, માથાના ભાગે ઇજા પામેલ ત્રિભોવનભાઇ ઘરે જઇ સૂઇ ગયા હતા. પરંતુ રાત્રે અચાનક ખેંચ આવતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ અને ત્યાંથી પાટણની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ બનાવ અંગે હર્ષિતાબેન તુરીની ફરિયાદ આધારે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...