વિસનગર તાલુકાના દેણપ ગામે બે જૂથો વચ્ચે થયેલી બોલાચાલીમાં મારામારી થઈ હતી. જેમાં બે મહિલાની છેડતી કરી અપશબ્દો બોલી હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બંને પક્ષો મળી કુલ 12 જણા સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
વિસનગર તાલુકાના દેણપ ગામના દેણપિયોપરૂમાં રહેતા વિરસંગજી કેશાજી ઠાકોરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રવિવારે સવારે તેમના ઘરે હતા. ત્યારે કૌટુંબિક ભાઈની પત્ની રડતા રડતા આવતા, અમે તેને શું થયું પૂછતા તે ખેતરમાં જતી હતી. ત્યારે રસ્તામાં ઠાકોર દીવાનજી ભીખાજીએ અપશબ્દો બોલી છેડતી કરી હતી. જેથી આ અંગે ઠપકો આપવા જતા ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી સામા પક્ષના ઠાકોર દિવાનજી ભીખાજી, ઠાકોર રણજીતજી દીવાનજી, ઠાકોર સુરેશજી દીવાનજી, ઠાકોર રમેશજી દીવાનજી, ઠાકોર મહેશજી ઉદાજી અને ઠાકોર રેવાબેન દીવાનજીએ એકજૂથ થઈ લાકડી, લોખંડની પાઇપ, છરી, ધોકા, ધારિયા વડે હુમલો કરતા વિરસંગજી કેશાજી ઠાકોર, ચતુરજી પરખાનજી ઠાકોર, કપૂરજી કેશાજી ઠાકોર તેમજ અજયજી કપૂરજીને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ ઇજાઓ પહોંચાડતા વિસનગર તાલુકા પોલીસ મથકમાં 6 સામે ફરિયાદ નોધાવી હતી.
જ્યારે સામા પક્ષના ઠાકોર રેવાબેન દીવાનજીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રવિવારે ગામમાં પોલીસની ગાડી આવી હતી. ભરતજી તથા ગામના શૈલેષજી દીવાનજીના ઘરે રેડ કરી બંનેને પોલીસ પકડીને લઇ ગઈ હતી. જેથી ગામના જ ઠાકોર કપૂરજી કેશાજી, ઠાકોર ચતુરજી પારખાનજી, ઠાકોર કિંજલજી ચતુરજી, વીરાજી પારખાનજી, ઠાકોર લાલાજી સોમાજી અને ઠાકોર વિરસંગજી કેશાજી ઘર પાસે આવી કહેવા લાગ્યા કે, અમારા ઘરે તે દારૂની રેડ પડાવી છે. તેમ કહી અપશબ્દો બોલી, કિંજલ ઠાકોર અશોભનીય વર્તન કરી, ઠાકોર વિરસંગજી કેશાજીએ ફરિયાદીનો હાથ પકડી ઢસડી લાકડી, ધોકા, લોખંડની પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આમ ઇજાઓ થતાં સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં આ ફરિયાદમાં કુલ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી.
આમ આ અંગે વિસનગર તાલુકા પોલીસે કુલ 12 શખ્સો સામે અલગ અલગ કલમ સહિત રાયોટીંગનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.