હાઇકોર્ટની સૂચના બાદ કાર્યવાહી:રહીશોના રોષ વચ્ચે વિસનગરની સવગુણ સોસા.માં દબાણો હટાવાયાં

વિસનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. રહીશો ભારે આક્રોશ સાથે જેસીબી આગળ આવી જતાં પોલીસે ભારે સમજાવટ બાદ તેમને હટાવ્યા હતા. - Divya Bhaskar
પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. રહીશો ભારે આક્રોશ સાથે જેસીબી આગળ આવી જતાં પોલીસે ભારે સમજાવટ બાદ તેમને હટાવ્યા હતા.
  • પ્રથમ દિવસે 2 લાઇનના 29 મકાનો આગળથી રસ્તા પૈકીનાં દબાણો દૂર કરાયાં
  • સોસાયટીના દબાણો તોડતી વખતે કેટલાંક રહીશો જેસીબી આગળ આવી જતાં ઉત્તેજના ફેલાઈ, પોલીસે સમજાવીને દૂર કર્યા

વિસનગર શહેરના ફતેહ દરવાજા વિસ્તારમાં આવેલી સવગુણ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા રસ્તા પૈકીના દબાણોના વિવાદને પગલે પાલિકા દ્વારા બુધવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો તોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. રહીશો ભારે આક્રોશ સાથે જેસીબી આગળ આવી જતાં પોલીસે ભારે સમજાવટ બાદ તેમને હટાવ્યા હતા. સાંજ સુધીમાં 29 મકાનો આગળથી રસ્તા પૈકીનાં દબાણો દૂર કરાયાં હતા. દબાણની કામગીરી હજુ ચાલુ રહેશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

વિસનગરના ફતેહ દરવાજા વિસ્તારમાં સવગુણ સોસાયટીની 5 લાઇનમાં રસ્તા પૈકીનાં દબાણો થયા હોવાની અરજીઓ થઇ છે અને દબાણોનો મુદ્દો હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે. હાઇકોર્ટ દ્વારા કાર્યવાહી કરવા સૂચના અપાઇ હોઇ હરકતમાં આવેલી પાલિકા દ્વારા અગાઉ માપણી કરાઇ હતી અને બુધવારે ચીફ ઓફિસર અશ્વિન પાઠક સહિત પાલિકાના સ્ટાફે જેસીબીથી દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરતાં રહીશોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને કેટલાક રહીશો જેસીબી આગળ આવી જતાં પોલીસે સમજાવી દૂર કરતાં દબાણ હટાવી શકાયા હતા. સાંજ સુધીમાં પાલિકા દ્વારા બે લાઈનોનાં 29 મકાનો આગળનાં દબાણો દૂર કરાયાં હતાં.

આ અંગે પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે, આ સોસાયટીમાં દબાણોનો પ્રશ્ન બહુ જૂનો છે. બુધવારે બે લાઈનોનાં દબાણો દૂર કરાયાં છે અને આગામી સમયમાં અન્ય ત્રણ લાઈનોના રસ્તા પૈકીનાં દબાણો પણ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...