'બોલ મારી અંબે જય જય અંબે':વિસનગરમાં માં અંબાના ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું; ભક્તો પગપાળા માં અંબાના ધામે જવા રવાના

વિસનગરએક મહિનો પહેલા

સુપ્રસિદ્ધ અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થઈ ગયો છે. ત્યારે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જવા માટે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અંબાજી ચાલતા જઈ રહ્યા છે. જેમાં સંઘો સાથે માઇ ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી દર્શન કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે વિસનગરના માર્ગો પર પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. જેમાં દૂર દૂરથી આવેલા સંઘોએ વિસનગર તરફથી અંબાજી જવા માટે આગળ પ્રયાણ કર્યું હતું. લાંબી ધજાઓ સાથે ભાવિક ભક્તો અંબાજી ખાતે જગત જનની માં અંબાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જેમાં ઘુમાસણ ગામના એક કાકા પણ માં અંબાના દર્શન કર્યા પછી જ અન્ન ગ્રહણ કરશે તેવા નિર્ણય સાથે વિસનગરથી ચાલતા અંબાજી તરફ આગળ નીકળ્યા હતા.

લાખોની સંખ્યામાં ભકતોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું
લાખોની સંખ્યામાં અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જવા માટે ભક્તોએ વિસનગર તરફથી આગળ પ્રયાણ કર્યું છે. તો બીજા કેટલાય ભક્તો હજુ ચાલતા આવી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સંઘ લઈને અંબાજી જાય છે. તેમજ વાહનોમાં પણ ભાવિક ભક્તો દર્શન કરવા માટે નીકળ્યા છે.

સેવા કેમ્પો માં અંબાના ભક્તોથી ભરાયાં
વિસનગરમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ સેવા કેમ્પ માંના ભક્તોથી ભરાઈ ગયા છે. માઇ ભક્તોની સેવા કેમ્પોમાં તમામ પ્રકારની સેવા કરવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે.

પોલીસ જવાનો પણ માં અંબાના ભક્તોની સેવામાં જોડાયા
મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિસનગરમાં શહેર પોલીસ સ્ટેશનના જવાનો સેવા કેમ્પમાં સેવા કરી રહ્યા છે. જ્યારે વિસનગર તાલુકાના ઉમતા ગામે પણ તાલુકા પોલીસ સ્ટેશનના જવાનો દ્વારા માં અંબાના ભાવિક ભક્તોની સેવા કરવામાં આવી રહી છે. જેમાં તાલુકા પોલીસ દ્વારા આયોજિત કેમ્પમાં લીંબુ સરબત અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ખડેપગે રહી પોલીસ જવાનો સેવા કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...