વિજાપુર તાલુકાના છેવાડાના અબાસણા ગામના લોકો સ્ટ્રીટલાઇટના અભાવે છેલ્લા 40 વર્ષથી અંધારપટનો સામનો કરી રહ્યા હતા. નવીન પંચાયત દ્વારા લોકફાળાની મદદ લઇ 2 હજારની વસ્તી ધરાવતા ગામમાં 130 એલઇડી સ્ટ્રીટલાઇટ લગાવતાં ગામના જાહેર માર્ગો અજવાળાથી ઝળહળી ઊઠતાં ગ્રામજનોમાં હર્ષની લાગણી જોવા મળી રહી હતી.
અબાસણામાં 40 વર્ષથી સ્ટ્રીટલાઇટ ન હતી. 8 વોર્ડ અને 2 હજારની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામજનો રાત્રી દરમિયાન ગામમાં તેમજ ગામની બહાર નીકળતી સમયે અંધારપટનો સામનો કરી રહ્યા હતા અને ઘણીવાર ઝેરી જાનવરોનો પણ ખતરો રહેતો હોવાથી રાત્રે ગામમાં જવાનું ટાળતા હતા.
હાલની પંચાયતના મહિલા સરપંચ પટેલ આશાબેન સંજયકુમાર તેમજ ઉપસરપંચ ઠાકોર જ્યોત્સનાબેન પોપટજી સહિત પંચાયતના સભ્યોએ ગામને અંધારપટથી મુક્ત કરવા અભિયાન ઉપાડ્યું હતું. લોકફાળાની મદદથી ગામના તમામ વોર્ડમાં 130 સ્ટ્રીટલાઇટો લગાવી ગામને અંધારપટથી મુક્ત કર્યું છે. સરપંચ આશાબેન પટેલના જણાવ્યા પ્રમાણે, મારી ઉંમર પણ નથી તેના કરતાં પણ વધુ વર્ષોથી ગામમાં સ્ટ્રીટલાઇટ ન હતી. જેથી ઉપસરપંચ જ્યોત્સનાબેન, સભ્યો પટેલ કાન્તિભાઇ, પટેલ રિંકેશભાઇ, ઠાકોર સંગીતાબેન, ઠાકોર રાવતાજી, ઠાકોર રાજેશજી, સેનમા તારાબેન, ઠાકોર કૈલાસબેન સહિતના સભ્યો સહિત ગ્રામજનોના સહકારથી અંધારપટ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.