વિસનગર સિવિલ હોસ્પિટલને અદ્યતન બનાવવા બુધવારે મળેલી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં ઠરાવ કરાયો છે. જેમાં બે માળની બિલ્ડિંગ, નવીન પોસ્ટમોર્ટમ રૂમ, નવીન ગેટ, સીસીટીવી કેમેરા લગાવવા સહિતના કામો કરાશે.
ધારાસભ્ય ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં મળેલી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં સિવિલ અધિક્ષક પી.એમ. જોશી, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, સભ્યો જે.કે. ચાૈધરી, વિજય પરમાર, અજમલજી ઠાકોર અને ઇશ્વરલાલ પટેલ હાજર રહ્યા હતા. બેઠકમાં કોરોના મહામારીની ચર્ચા બાદ ગરીબ માણસોને નાનામાં નાની સુવિધા મળી રહે તે માટે સિવિલને અદ્યતન બનાવવા નિર્ણયો કરાયા હતા. જેમાં સિવિલનો તા.પં.પાસે નવીન ગેટ બનાવવા, બે માળની બિલ્ડિંગ બનાવવા, નવીન પીએમ રૂમ, નવીન રોડ, સીસીટીવી કેમેરા તેમજ ધારાસભ્ય ફંડમાંથી ઓક્સિજન એમ્બ્યુલન્સ ખરીદવા 15 લાખ અને અન્ય 20 લાખ મળી રૂ.35 લાખની જોગવાઇ કરવા સહિતના કામો ઝડપી કરવાનું નક્કી કરાયું હતું.
ઉપરાંત, ત્રીજી લહેરની શક્યતાને ધ્યાને લઇ બાળકો માટે અલગ વોર્ડ ઊભો કરવાનું સૂચન ધારાસભ્યએ કર્યુ હતું. સિવિલમાં દાખલ કોરોનાના દર્દીઓ માટે ડી-ડાયમર ટેસ્ટ મફત કરવાનું નક્કી કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.