નેશનલ લોક અદાલતનો હુકમ:વિસનગરના યુવકનું અકસ્માતમાં મોત થયું હતું; અકસ્માત વીમા ક્લેઇમમાં અદાલતે મૃતકના પરિવારને 45 લાખનું વળતર આપવા હુકમ કર્યો

વિસનગર3 મહિનો પહેલા

વિસનગરની રામબાગ સોસાયટીમાં રહેતા યુવકનું માણસા ગાંધીનગર હાઇવે રોડ પર અકસ્માતમાં મોત થતાં પરિવારજનો દ્વારા મહેસાણામાં મોટર એક્સિડન્ટ કલેઈમ્સ ટ્રિબ્યુનલ કોર્ટમાં દાખલ કરાયો હતો. જે કેસ નેશનલ લોક અદાલતમાં ચાલી જતાં દલીલો સાંભળ્યા બાદ અદાલતે મૃતકના પરિવારને 45 લાખ રૂપિયાનું વળતર આપવા હુકમ કર્યો હતો.

ટ્રેલર ચાલક સામે ફરિયાદ વિસનગરની રામબાગ સોસાયટીમાં રહેતા રિતેશ પ્રવીણ પટેલ અને શહેરની ભવાની હાઉસિંગ સોસાયટીમાં રહેતાં કૃપાલ વાસુદેવ દીક્ષિત ગત 22 ફેબ્રુઆરી 2022ના રોજ સુરતથી ધંધાનું કામ પતાવી ઇકો ગાડી નં. જીજે.02.બી.પી. 7498 લઈ પરત વિસનગર આવી રહ્યા હતાં તે દરમિયાન માણસા ગાંધીનગર હાઇવે પર ટહુકો હોટલ નજીક પુરઝડપે આવી રહેલ ટ્રેલર નં. જીજે.12.બી.એક્ષ. 8597ના ચાલકે ટક્કર મારતાં રિતેશ પટેલનું ગાંધીનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી.

મૃતકના પરિવારજનોને રૂ. 45 લાખનું વળતર
મૃતકની પત્ની દ્વારા વિસનગર ખાતે આવેલ મહેસાણાના મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યુનલ કોર્ટમાં 95 લાખના વળતરનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ નેશનલ લોક અદાલતમાં મૂકવામાં આવ્યો હતો. જેમાં અરજદારના વકીલ કમલેશ એ. પટેલની રજૂઆતના આધારે અદાલતે બન્ને પક્ષોને સાંભળ્યા બાદ મૃતકનાં પરિવારજનોને 45 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

મહેસાણા જિલ્લામાં આ સૌથી મોટું સમાધાન
આ અંગે વકીલ કમલેશ પટેલે જણાવ્યું હતું કે, કેસમાં એવી હકીકત છે કે મોટર વ્હીકલ એક્ટ કલમ 166 મુજબ વળતર અરજ અરજદારો વતીથી મૃતક રિતેશના વાલીવારસો જેમાં એમનાં પત્ની મયૂરી અને પિતા પ્રવીણભાઈ તેમજ માતા જિજ્ઞાસાબેન તથા એમની નાની દીકરી મળી કલમ 166 મુજબ વળતર અંગે અરજ દાખલ કરી હતી. સદર હકીકત મૃતક અને એમના મિત્ર કૃપાલ સુરતથી કામકાજ પતાવી ઘરે પરત આવતા હતા. આ દરમિયાન માણસા ગાંધીનગર રોડ પર ટહુકો હોટલની સામે એક ટેલર હતું. જેના ચાલકે ગાડીને ટક્કર મારતાં રિતેશનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને જે ડ્રાઈવર હતા એમને સામાન્ય ઇજાઓ થઇ હતી. મૃતકના પરિવારજનોને નેશનલ લોક અદાલતમાં એડી. ડિસ્ક. કોર્ટ વિસનગરમાં મોટર એક્સિડન્ટ કેસ જે અરજદારે કરેલો હતો જેમાં 45 લાખનું સમાધાન કંપની સાથે થયું હતું. આ લોક અદાલતમાં મહેસાણા જિલ્લામાં આ સૌથી મોટું સમાધાન હોવાનું જણાવ્યું હતું.

આ અંગે મૃતકની પત્ની મયૂરીબેન પટેલે જણાવ્યું હતું કે, મારા પતિ સુરતથી આવતા હતા. ગાંધીનગર માણસા હાઇવે ઉપર ટહુકો હોટલની બાજુમાં એક્સિડન્ટ થયેલો. સામે ટ્રેલર હતું જેમાં એમનું મૃત્યુ થયું હતું. જેમાં અને નામદાર કોર્ટમાં વકીલ કમલેશભાઈ થકી અરજી કરેલી હતી. એનું અમને વળતર મળ્યું. પણ મારું એવું કહેવું છે કે પૈસા મહત્ત્વના નથી માણસ મહત્ત્વનો છે. માણસની ખોટ તો પુરાય નહીં. જે અમને વળતર મળ્યું એનો આભાર.. જે વળતર મળ્યું એનાથી હું મારી દીકરી અને મારાં સાસુ સસરાનું જીવન નિર્વાહ ગુજારીશું.

અન્ય સમાચારો પણ છે...