અનેક રજૂઆત છતાં કોઇ કાર્યવાહી નહીં!:વિસનગરમાં મનરેગાના કામોમાં ગેરરીતિ મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં આધેડનો આત્મવિલોપન પ્રયાસ

વિસનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિસનગર તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં સુંશીના આધેડ દ્વારા મનરેગાના કામોમાં ગેરરીતિ મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં આત્મવિલોપન કરવાની અપાયેલ ચીમકીને પગલે વહેલી સવારથી જ પોલીસે કાફલો ખડકી દીધો હતો અને તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં બાજ નજર ગોઠવી હતી. જ્યાં બપોરના 12 કલાકે બાઇક લઇ આધેડ તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં આવતાં પોલીસે ફિલ્મી ઢબે કોર્ડન કરી પકડી લઇ પોલીસ મથકે લાવી હતી. આધેડે એક મહિનાની અંદર કાર્યવાહી નહીં થાય તો ફરીથી આત્મવિલોપન કરવાનું પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે.

રજૂઆત છતા કોઇ કાર્યવાહી નહીં
વિસનગર તાલુકાના સુંશી ગામમાં રહેતા રાજપૂત રામસિંહજી પ્રતાપજીએ તાલુકા પંચાયત સહિત ઉચ્ચક્ક્ષાએ મનરેગા યોજનાની સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાથી લાગતા વળગતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો વિરુધ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. છેલ્લા ઘણા સમયથી કરાયેલ આ રજૂઆતમાં કોઇપણ પ્રકારની કાર્યવાહી ન થતાં તેમણે 12 સપ્ટેમ્બર 2022ના રોજ વિસનગરતાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં જઇ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જ્યાં રામસિંહજીએ આપેલ ચિમકીને લઇ બે દિવસ અગાઉ પોલીસે તેમના ઘરે તપાસ કરી હતી પરંતુ રામસિંહજી મળી આવ્યા ન હતા.

કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરીથી આત્મવિલોપન
જેથી સોમવારના તારીખ 12/09/2022 ના રોજ રામસિંહજીએ આત્મવિલોપન કરવાના હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ દ્વારા મોટી સંખ્યામાં તાલુકા પંચાયત સંકુલમાં કાફલો ખડકી દીધો હતો અને કંપાઉન્ડની આજુબાજુ બાજ નજર ગોઠવી હતી. સાથે સાથે ફાયર, એમ્યુલન્સ સહિત તબીબોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત આવતા જતા લોકોની તપાસ કરવામાં આવી હતી. જ્યાં બપોરેના સમયે બાઇક ઉપર ત્રણ સવારી આવેલ લોકોમાં આત્મવિલોપન કરનાર રામસિંહજી પણ હોવાથી પોલીસે કોર્ડન કરી તેમને પકડી લીધા હતા અને પોલીસ મથકે લઇ આવી હતી. જ્યાં પોલીસ સમક્ષ એક મહિનાની અંદર જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરીથી આત્મવિલોપન કરવાનું નિવેદન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...