ધરતી પ્રત્યેની મહેનત રંગ લાવી:વિસનગરના ખેડૂતે ચોમાસમાં વરસાદનું વહી જતા પાણીને બચાવવા ખેતરમાં રિચાર્જ કૂવો બનાવ્યો; 4 કલાક ચાલતી પિયત 8 કલાક ચાલે છે

વિસનગર22 દિવસ પહેલા

વિસનગર તાલુકાના સેવાલિયા ગામના ખેડુત લક્ષ્મણભાઈ કે.પટેલ કે જેમને પોતાના ખેતરમાં 60 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો કૂવો તૈયાર કરીને ચોમાસામાં વરસાદના વહી જતા પાણીને રિચાર્જ કરવાની પદ્ધતિ અપનાવી છે. જેને લઇ ચોમાસામાં ખેતરમાં ભરાતું પાણી કૂવામાં સંગ્રહ કરવામાં આવી રહ્યું છે. જેનાથી શિયાળા અને ઉનાળાની ઋતુમાં આ સંગ્રહ થયેલ પાણીનો ઉપયોગ કરી ખેડૂત ખેતી કરી રહ્યા છે. જેમાં પહેલા કૂવામાં 4 કલાક પાણી પિયત માટે ચાલતું હતું જે હવે 8 કલાક પાણી ચાલે છે. આમ ખેડૂત એલ.કે.પટેલે ધારાસભ્યની સલાહથી આ પદ્ધતિ અપનાવી પ્રાકૃતિક ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યાં છે.

ખેતરમાં 60 ફૂટ ઉંડો કૂવો તૈયાર કરાવ્યો
લક્ષ્મણભાઈ કે.પટેલ ખેડૂત હોવાની સાથે દૂધસાગર ડેરી અને એપીએમસી વિસનગરના ડિરેક્ટર પણ છે. એલ.કે.પટેલ ખેતીના શોખીન છે. જેમને આજથી દશ વર્ષ અગાઉ ખેતરમાં 60 ફૂટ ઊંડો અને 15 ફૂટ પહોળો એક કૂવો તૈયાર કરાવ્યો હતો. એ વખતે વિસ્તારનું પાણી 40 ફૂટની ઊંડાઈએ હતું. જેથી મહેનત કરવા છતાં પણ સારું ઉત્પાદન ન મળતાં એલ.કે.પટેલ નારાજ રહેતા હતા. તેમને ખેતરમાં એ વખતે જૂનાગઢ કેસર કેરીની 500 જેટલી ઉતમ કલમો લઈ આવી રોપણી કરી હતી, પરંતુ 50 ટકા કલમો સુકાઈ ગઈ હતી. જેને લઇ જમીન અને પાણીની વૈજ્ઞાનિક તપાસ કરાવતા કૂવાના પાણીમાં 3200 TDSનું પાણી હતું. જેમાં એલ.કે.પટેલની મુલાકાત વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ સાથે થઈ અને એમની વ્યથા વ્યક્ત કરી.

પ્રાકૃતિક ખેતી મેળવી રહ્યા છે સારી આવક
ધારાસભ્યની સલાહ અનુસાર દર ચોમાસે વરસાદના પાણી રિચાર્જ કરવાની ખેડૂત એલ.કે.પટેલે શરૂઆત કરી. અગાઉ બહાર વહી જતું વરસાદી પાણી ખેતરના તળિયામાં ઉતરે તેના માટે નીચાણવાળા ભાગોથી કૂવા સુધી 6 પાઇપ (200 મીટર) કૂવામાં રિચાર્જ માટે ઉતારી. જેમાં પહેલા જ વર્ષે સારા પરિણામ મળ્યા. પહેલા એલ.કે.પટેલ સહિત જે ખેતરો પાણી ભરાઈ રહેવાથી નિષ્ફળ જતા હતા તે બંધ થઈ ગયા. કૂવામાં પાણીની ક્ષારનું પ્રમાણ ઘટવા લાગ્યું અને અગાઉ મોટર દ્વારા કૂવામાંથી પાણી જે પિયત 4 કલાક ખેંચી શકાતું હતું, તે હવે 8 કલાક સુધી ખેંચી શકાય છે. આમ ત્રીજા વર્ષે ખેડૂત લક્ષ્મણભાઈ પટેલની મહેનત રંગ લાવી અને બાગાયતી ચારે કોરથી ખીલી ઉઠી.

ધરતીમાંથી સોનું ઉગાડવાની જડીબુટ્ટી મને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ધારાસભ્ય ઋષિકેશભાઈએ આપી: ખેડૂત એલ.કે.પટેલ
આ અંગે ખેડૂત લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમણે પોતાના ખેતરમાં 60 ફૂટ ઊંડો અને 15 ફૂટનો કૂવો બનાવ્યો, પરંતુ આ કુવામાંથી પાણી ખારું તથા વધુ ટી ડી એસ વાળું ક્ષારવાળું પાણી આવ્યું. જેને લઈને જરૂરી ખેત ઉત્પાદન મેળવી શકાયુ નહિ. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જળ સંચયની જાણકારી વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મળી અને ગામનું પાણી ગામમાં તથા સિમનું પાણી સિમમાં એ મુજબ મેં મારા ખેતરની આજુબાજુનું વરસાદી પાણી મારા ખેતરના કૂવામાં વાળ્યું. જેને લઈને મારા ત્રણ વર્ષના પ્રયત્નને લીધે મારો કૂવો પૂરો ભરાઈ ગયો તથા કુવાનું પાણી મીઠું થઈ ગયું એના ટી ડી એસ ઓછા થઈ ગયા અને મારા ખેતરમાં જે અગાઉ કેસર આંબા નહોતા થતા એ અત્યારે ખૂબ સારા વિકસતા કેસર કેરીની સારી આવક મેળવી. ઉપરાંત ખેતરમાં જૈવિક શાકભાજીનું પણ વાવેતર શરૂ કર્યું. જેમાં પણ સારી સફળતા મળી અને સારી આવક મેળવી. આમ હું દરેક ખેડુતોને આગ્રહ કરું કે દરેકે પોતાના ખેતરમાં વરસાદી પાણીનો જળ સંગ્રહ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...