સમગ્ર ગુજરાતમાં આજે ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉતરાયણ પર્વ પર ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તેમ છતાં ચાઇનીઝ દોરીના વેચાણ થતા વિસનગરમાં ચાઇનીઝ દોરીના કારણે એક 3 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. જેમાં 3 વર્ષની બાળકીને એના માતા લઈને આવતા હતા. જ્યાં ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા 3 વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. 3 વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે અને પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.
બાળકીના પરિવારે દિવ્ય ભાસ્કરને ઘટના વિશે જણાવ્યું
આ અંગે બાળકીના પિતા રણજીતજી ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પત્ની બજારમાં ગયા હતા. બજારથી આવતા એસ.ટી બસમાં વિટાયેલો દોરો મારી દીકરીના ગળે વિંટાઇ જતા મૃત્યુ થયું છે. અમારો તહેવારનો માહોલ શોકમાં ફેરવાયો છે. જ્યારે દીકરીના દાદા હરગોવનભાઈએ સાથે આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, મારી વહુ બજારમાં ગઈ હતી. જ્યા વળતા આવતા એસ.ટીથી ચાઇના દોરી વિંટેલી હતી. જે મારા વહુને ખ્યાલ ન હતો. જેથી બીજા વ્યક્તિઓ દ્વારા જાણવા મળતા કે દોરી વિંટાઈ છે અને ત્યાં સુધીમાં બાળકીનુ મોત થયું છે.
3 વર્ષની દીકરી પરિવારથી દૂર થઈ ગઈ
વિસનગરના કડા દરવાજા વિસ્તારના ઠાકોર વાસમાં રહેતા ઠાકોર રણજીતજી હરગોવનજી જેમની 3 વર્ષની બાળકી ક્રિષ્નાબેન રણજીતજી ઠાકોર જેઓ આજરોજ એમના મમ્મી તેડીને આવતા હતા. ત્યાં અચાનક ચાઇનીઝ દોરી ગળાના ભાગે આવી જતા માસૂમ દીકરી ચાઇનીઝ દોરીનો શિકાર બની હતી અને જીવ ગુમાવ્યો હતો. જ્યા બાળકીને દોરી વાગતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આમ ચાઇનીઝ દોરીના કારણે 3 વર્ષની બાળકીનું મોત થતા પરિવારમાં દુઃખની લાગણી છવાઈ હતી.
નડીયાદનો યુવાન ચાઈનીઝ દોરીનો શિકાર બન્યો હતો
તે પહેલા પણ એક ચાઈનીઝ દોરીથી મૃત્યુ પામવાની ઘટના બનવા પામી હતી. જ્યાં નડિયાદમાં પતંગની ઘાતક દોરીના કારણે એક ઘરનો ચિરાગ બુઝાયો હતો. આણંદનો યુવાન મિત્રને મળવા નડિયાદ આવ્યો અને મિત્રનું મોટરસાઇકલ લઈને બજારમાં નીકળ્યો હતો. આ દરમિયાન શહેરમાં સરદારનગર વિસ્તારમાં ગળાના ભાગે દોરી ભરાઈ જતાં ગળાની નસ કપાઈ ગઈ હતી. આ બનાવમાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
સરદારનગર વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યો
આણંદ શહેરમાં રહેતા 38 વર્ષીય વિપુલભાઈ નવિનચંદ્ર ઠક્કર ગુરુવારના રોજ નડિયાદમાં રહેતા તેમના મિત્ર કાંતિભાઈના ઘરે આવ્યા હતા. થોડીવાર ત્યાં બેઠા પછી કાંતિભાઈનું મોટરસાઇકલ લઈને તેઓ સ્થાનિકમાં કોઈ જગ્યાએ કામ હોઇ નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ સરદાર નગર પાસે આવતા ઘાતક પતંગના દોરા તેમના ગળાના ભાગે ભરાઈ જતાં ગળાની નસ કપાઈ ગઈ હતી. જેથી તેઓ લોહીલુહાણ હાલતમાં રોડ પર પડ્યા હતા.
ઘણા આવા કિસ્સાઓ સામે આવતા હોય છે
ચાઈનીઝ દોરીના કારણે ઘણા આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. જ્યાં પરિવારને પોતાના અંગત અને જીવથી પણ વ્હાલા પરિવારજનોનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે આવી ચાઈનીઝ દોરી પર રોક લાગ્યા હોવા છતાં કઈ રીતે લોકો આ દોરીનું વેચાણ કરી રહ્યાં છે. અને તેના કારણે હજૂ કેટલાના જીવ જશે. હાલના સમયમાં પ્રશ્નો લોકોના મોઢે ચર્ચાઈ રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.