અભ્યાસની સાથે જીવદયાનું કાર્ય:વિસનગરના ઉદલપુર ગામના 22 વર્ષીય યુવાને 5 વર્ષમાં 2500થી 3000 સાપનું રેસ્ક્યું કર્યું, સાપને સુરક્ષિત સ્થળે મૂકી જીવદયાની કામગીરી કરી

વિસનગરએક દિવસ પહેલા

સાપનું નામ પડે એટલે પહેલાં તો ગભરાઈ જવાય છે, તેમજ ઘરમાં કે મહોલ્લામાં દેખાય તો અફરા તફરી મચી જાય છે પરંતુ વિસનગર તાલુકાના ઉદલપુર ગામના 22 વર્ષીય યુવક સંગથાજી ઠાકોર અભ્યાસની સાથે સાથે જીવદયાનું પણ કામ કર્યું છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં સંગથાજી ઠાકોર 2500થી 3000 જેટલા સાપને પકડી સુરક્ષિત સ્થળે મૂકી આવ્યા છે. ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા સંગથાજીએ સાપને મારવાને બદલે તેને પકડી બચાવવાની કામગીરી કરી જીવદયાનું ઉતમ કામ કરી રહ્યો છે.

મૂળ બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના જોરાગઢ ગામના છેલ્લા 15 વર્ષથી વિસનગર તાલુકાના ઉદલપુર ગામ ખાતે રહેતા 22 વર્ષીય સંગથાજી ઠાકોર હાલ મહેસાણા ખાતે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સંગથાજીના માતા પિતા પહેલા નર્સરીમાં કામ કરતા હતા. ત્યારબાદ અત્યારે ખેતી કામ કરે છે. કોલેજના અભ્યાસની સાથે સાથે સંગથાજી ઠાકોર એડવેન્ચર ગ્રુપના મેમ્બર બન્યા બાદ મૌલેશ દવે પાસેથી ટ્રેનિંગ લીધી છે. સંગથાજી ઠાકોર હાલ ફોરેસ્ટ ગાર્ડ માટેની તૈયારી કરી રહ્યો છે. જે આ યુવાને છેલ્લા પાંચ વર્ષમાં 2500થી 3000 જેટલા સાપ પકડીને સુરક્ષિત સ્થળે મૂકી જીવદયાની કામગીરી કરી છે.

સંગથાજી ઠાકોર વિસનગર તાલુકાના ઉદલપુર, થુમથલ, ધારુંસણા, વિષ્ણુપુરા, પઢારિયા, ડાભલા, દેવરાસણ, ગુંજાળા સહિત મહેસાણા જિલ્લામાં પણ કેટલાય ગામોમાં જઈને સાપ પકડવાની કામગીરી કરી છે. જેમાં યુવાને છેલ્લા પાંચ વર્ષમાં 2500 થી 3000 સાપ પકડીને સુરક્ષિત સ્થળે મૂકી આવ્યા છે. જેમાં અત્યાર સુધી સાપ પકડતા યુવાનને સાપ કરડ્યો પણ નથી કે અન્ય કોઈ નુકસાન પણ થવા પામ્યું નથી. યુવાન સરળતાથી સાપને પકડી સુરક્ષિત સ્થળે મૂકી આવી જીવદયાનું કાર્ય કરે છે.

આ અંગે સંગથાજી ઠાકોર જણાવ્યું હતું કે, લોકો સાપને જુએ તો તેને મારી નાખતા હતા જેથી મેં તેમને પકડી સુરક્ષિત જગ્યા પર મૂકી આ જીવદયાનું કાર્ય કર્યું છે. જેમાં પાંચ વર્ષમાં 2500થી 3000 જેટલા સાપ પકડી યોગ્ય જગ્યાએ મુક્ત કરેલા છે. તમારી સોસાયટી કે ઘરમાં સાપ દેખાય તો મારવો નહિં પરંતુ અમને મોબાઈલ નંબર 9624225901, 8733081220 પર સંપર્ક કરી જાણ કરી સાપને બચાવવાનું જીવદયાનું કાર્ય કરો.

અન્ય સમાચારો પણ છે...