30 દિવસ, 30 શિવમંદિર:જાળેશ્વર મહાદેવનો 814 વર્ષ જૂનો ઈતિહાસ, ગાય જ્યાં દૂધની ધારા કરતી ત્યાંથી ખરી આકારનું શિવલિંગ મળ્યું, પરિસરમાં સાત સાધુઓની જીવંત સમાધિ

વિસનગર5 દિવસ પહેલા
  • શ્રાવણ માસમાં ભક્તોની મોટી ભીડ જામી, સવાર-સાંજ આરતીનો અનેરો મહિમા

વિસનગર તાલુકાના કડા દરવાજા વિસ્તારમાં આવેલું સ્વયંભૂ જાળેશ્વર મહાદેવ મંદિર એ ઐતિહાસિક અને પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. આ મંદિરનો ઈતિહાસ 814 વર્ષ જૂનો હોવાનું મનાય છે. આ વિસ્તારમાં 814 વર્ષ પહેલાં વગડો હતો અને ઢોર ચરતા હતા. જેમાં એક ગાય હંમેશા આવતી હતી અને સ્વયં પોતાની દૂધની ધારા વહેડાવતી હતી. જેમાં તપાસ કરતા અહીથી સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું હતું. શ્રાવણ માસમાં જાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહિં સવાર સાંજ આરતીનો મહિમા અનેરો છે અને ભક્તોની ભીડ જામે છે. આ મંદિર પરિસરમાં સાત સાધુ મહાત્માની જીવંત સમાધિ પણ આવેલી છે. તેમજ 400 વર્ષ જૂનો કુંડ પણ આવેલો છે.

શિવાલયમાં શ્રાવણ માસને પગલે સવાર-સાંજ ભક્તોની ભારે ભીડ
શિવાલયમાં શ્રાવણ માસને પગલે સવાર-સાંજ ભક્તોની ભારે ભીડ

814 વર્ષ જૂનો સ્વયંભૂ જાળેશ્વર મહાદેવનો ઇતિહાસ
એવી માન્યતા છે કે પહેલાના સમયમાં 814 વર્ષ પહેલાં આ સ્થળે વગડો હતો અને ત્યાં ઢોર ચરતા હતા. તેમાં હંમેશા એક ગાય ચરવા આવતી હતી અને આ સ્થળે એક આંબલીનું ઝાડ હતું. તે ઝાડ નીચે આ ગાય ઊભી રહેતી હતી અને તેની દૂધની ધારા વહેવડાવતી હતી. આવી રીતે કેટલાય દિવસો ચાલતું હોવાથી ગોવાળને જાણ થઈ હતી કે ગાય દૂધ આપતી નથી. તેથી તપાસ કરતા આ ગાય આંબલીના ઝાડ નીચે ઉભી રહી દૂધ વહેડાવે છે તેવી ગામલોકોને વાત કરતા ગામલોકોએ ભેગા મળી ત્યાં ખોદકામ કરતાં અંદરથી ગાયની ખરીના ચિહ્નોવાળી જળાધારી નજરે પડી હતી, જેમાં ગાયની પગની ખરી આકારનું શિવલિંગ આવેલું છે.

આંબલીના ઝાડ નીચે ગાય દૂધની ધારા કરતી હતી, જ્યાં ખોદકામ કરતાં શિવલિંગ મળ્યું
આંબલીના ઝાડ નીચે ગાય દૂધની ધારા કરતી હતી, જ્યાં ખોદકામ કરતાં શિવલિંગ મળ્યું

જળાધારી પર નાના નાના પાંચ લિંગ પણ આવેલા છે
ઉપરાંત જેમ જેમ જળાધારીની અંદર ખોદતાં ગયા તેમ તેમ તેનો ભાગ અંદર ઊતરતો ગયો હતો તેથી મહાદેવજીની સ્થાપના ત્યાં જ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સિવાય જળાધારી પર નાના નાના પાંચ લિંગ પણ આવેલા છે. ઝાડીઓમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી આ સ્થળને જાળેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું હતું.

ઝાડીઓમાંથી ઉત્પન્ન થયા હોવાથી જાળેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું
ઝાડીઓમાંથી ઉત્પન્ન થયા હોવાથી જાળેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું

400 વર્ષ જૂનો કુંડ પણ આવેલો છે
આ સ્વયંભૂ જાળેશ્વર મહાદેવ મંદિરમાં 400 વર્ષ જૂનો કુંડ આવેલો છે. જેમાં આ કુંડમાં સાધુ મહાત્માની મહાદેવની પખાળ (પૂજા) કરવા માટે કુંડની સ્થાપના કરવામાં આવી હતી અને અત્યારે પણ આ કુંડ આવેલો છે. આ પરિસરમાં સાધુ મહાત્માની સાત જીવંત સમાધિ આવેલી છે.

મંદિર પરિસરમાં 400 વર્ષ જૂનો કુંડ આવેલો છે
મંદિર પરિસરમાં 400 વર્ષ જૂનો કુંડ આવેલો છે

શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ
શ્રાવણ માસમાં જાળેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહિંની આરતીનો પણ અનેરો મહિમા જોવા મળે છે. જેમાં શ્રાવણ માસમાં સવારે અને સાંજ આરતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લેવા ઉમટી પડે છે. શ્રાવણ માસની અમાસના દિવસે જાળેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા મંદિર પરિસરથી નીકળી બજારના અનેક વિસ્તારોમાં ફરી સાંજે મંદિર પરિસરમાં પાછી ફરે છે. આમ અનેક ભક્તોની આસ્થા ધરાવતા આ શિવાલયે હમણાં શ્રાવણ માસને પગલે સવાર-સાંજ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

શ્રાવણ માસની અમાસના દિવસે જાળેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળે છે
શ્રાવણ માસની અમાસના દિવસે જાળેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળે છે
અન્ય સમાચારો પણ છે...