વિસનગર શહેર અને તાલુકાના 54 ગામોના 2.84 લાખ લોકોને હવે નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળશે. રૂ.151 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ યોજનાનું સોમવારે લોકાર્પણ યોજાનાર છે. નર્મદાનું પાણી મળતાં વિસ્તારના લોકોની પીવાના પાણીની સમસ્યાનો કાયમી હલ મળી જશે.
વિસનગર શહેર અને તાલુકાના ગામોમાં ધરોઈ યોજનાનું પીવાનું પાણી અપાઇ રહ્યું છે. પરંતુ તે અપૂરતું અને ઓછા ફોર્સથી આવતું હોઇ શહેરમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા વારંવાર ખોરવાઇ જતી હતી. વિસનગર શહેર ધરોઇના પાણી ઉપર નિર્ભર હોઇ પાણી બંધ રહે તો કટોકટીનો સામનો કરવો પડતો હતો. જેના કારણે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્ય સરકારમાં વિસનગર શહેરને અલગથી અને ગામડાઓને અલગથી શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે યોજના તૈયાર કરવા રજૂઆત કરી હતી.
જે અંતર્ગત વિસનગર શહેર અને તાલુકાના 54 ગામોને નર્મદાનાં નીર મળે તે માટે સરકારે રૂ.151 કરોડની યોજના બનાવી હતી. જેમાં મોઢેરાથી મોટીદાઉ ખાતે નર્મદાનું પાણી લાવી 50 લાખ લિટરના સમ્પમાં સંગ્રહ કરી વિસનગરના વાલમ ગામે બનાવેલ 54 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધિકરણ કરી વિસનગર શહેર અને તાલુકાના 54 ગામોને પહોંચાડવા માટે ફેઝ-2 અને ફેઝ-3 તૈયાર કરાઈ છે. જેનું લોકાર્પણ સોમવારે પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ, નર્મદા જળસંપતિ મંત્રી જીતુ ચૌધરી, પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે કરાશે.
27.24 કરોડમાં બે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર
ગટરના ગંદા પાણીના શુદ્ધિકરણ માટે શહેરના દીપરા દરવાજા વિસ્તારમાં અને પુદગામ ખાતે રૂ.27.24 કરોડના ખર્ચે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયા છે. જેમાં વિસનગર શહેરનું ગટરનું ગંદુ પાણી શુદ્ધ કરી તેનો ઉપયોગ ખેતીના પાક તેમજ ઉદ્યોગો માટે કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.