NRIનું દાન:વડનગરના કહીપુર ગામના છાત્રોએ શિક્ષકોને પૂછ્યું: ‘સાહેબ, આપણી સ્કૂલ કેમ આવી છે?’ વાત NRI પાસે ગઈ 'ને બની અદ્યતન સ્કૂલ

વડનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રાથમિક શાળામાં છે સ્માર્ટવર્ગો, લાયબ્રેરી, સીસીટીવી, વિજ્ઞાનખંડની સુવિધા - Divya Bhaskar
પ્રાથમિક શાળામાં છે સ્માર્ટવર્ગો, લાયબ્રેરી, સીસીટીવી, વિજ્ઞાનખંડની સુવિધા
  • વડનગરના કહીપુરના એનઆઈઆરએ 5 કરોડના ખર્ચે સ્કૂલ બનાવી વતનનું ઋણ ચુકવ્યું

વડનગર તાલુકાના કહીપુર ગામના વતની અને અમેરિકા સ્થિત એનઆરઆઇ છોટાલાલ અંબારામદાસ પટેલે ગામનું ઋણ ચુકવવા રૂ.5 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ શાળા બનાવી આપી છે. 1893માં બનેલી ગામની શાળાના ઓરડા જર્જરિત હોઇ એક સમયે બાળકોએ શિક્ષકોને પ્રશ્ન કરેલો કે, સાહેબ આપણી શાળા કેમ આવી છે. તે સમયે આ પ્રશ્નનો જવાબ શિક્ષક તો ના આપી શક્યા. પણ વાત ગઈ ગામના છોટાકાકા પાસે અને તેમણે અદ્યતન શાળા બનાવી આપી.

કહીપુર ગામમાં પ્રવેશો એટલે રોડની બિલકુલ અડીને આવેલી પટેલ રઈબેન અંબારામ પ્રાથમિક શાળા નજરે પડે. ધો.1થી 8ની સુવિધાસજ્જ આ શાળાનો શ્રેય ગામના છોટાલાલ અંબારામને જાય છે. 1 જૂન 1946ના દિવસે ખેડૂત પરિવારમાં જન્મેલા છોટાકાકા હાલ અમેરિકામાં રહે છે. તેમનો એક જીવનમંત્ર છે કે, સમાજ દ્વારા પ્રાપ્ત થયું છે, તે સમાજને પરત કરવું. છોટાકાકાના મનમાં એક સ્વપ્ન હતું કે મારા ગામના બાળકોને પણ શહેરની શાળા જેવી સુવિધા મળે અને તેમનું આ સ્વપ્ન સાકાર થયું 2020માં, સુવિધાસજ્જ વિશાળ શાળાસંકુલ બનાવીને. હાલ અહીં 401 બાળકો અભ્યાસ કરે છે.

આ અંગે શાળાના પૂર્વ આચાર્ય અને હાલ શાળામાં શિક્ષક શૈલેશભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ અને સતિષભાઈ પટેલ કહે છે, અમે છોટાકાકા પાસે પ્રાર્થનાહોલ માટે રજૂઆત કરી હતી, પણ તેમણે તો આખી શાળા જ નવી બનાવી આપી. તેમના વ્યસ્ત સમયમાં પણ જ્યાં સુધી શાળા ન બની ત્યાં સુધી સવાર સાંજ કેટલે કામ પહોંચ્યું, કંઈ ખૂટે છે વગેરેની પૂછપરછ કરતા. બે વર્ષ અગાઉ બનેલી શાળાની જાળવણી થાય તે માટે શિક્ષકો બાળકોને સતત માર્ગદર્શન આપે છે કે જે દાતાએ આપણને શાળા બનાવી આપી તો આપણી ફરજ છે કે તેની જાળવણી કરીએ.

સ્કૂલનું ખાતમુહૂર્ત પણ ગામની વિધવા બહેનોથી કરાવ્યું : શાળાના શિક્ષક શૈલેશભાઇએ જણાવ્યું કે, જ્યારે અમારા ગામમાં નવી શાળા બનાવવાની વાત આવી ત્યારે છોટાકાકાને ખાતમુહૂર્ત માટે કહેવાયું, તો તેમણે કોઇ નેતા કે આગેવાનની જગ્યાએ ગામની વિધવા બહેનો દ્વારા ખાતમુહૂર્ત કરાવ્યું. જ્યારે સંકુલ 1લી ફેબ્રુઆરી 2020માં તૈયાર થયું ત્યારે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું.

શાળામાં ઉપલબ્ધ સુવિધા
{ કાર્યાલય, સ્ટાફરૂમ
{ કોન્ફરન્સ રૂમ
{ સિસોસેરૂમ (વિકલાંગ બાળકો)
{ મધ્યાહન ભોજનની અલાયદા વ્યવસ્થા
{ વિજ્ઞાન પ્રયોગશાળા
{ કોમ્પ્યુટર રૂમ
{ સભાખંડ
{ પ્રાર્થનાહોલ
{ અલાયદાં શૌચાલય
{ CCTV કેમેરા (કામ ચાલુ )
{ ધો.6 થી 8ના સ્માર્ટવર્ગો
{ 4 વોટરરૂમ
{ રમતગમતનું મેદાન
{ અદ્યતન બગીચો

અન્ય સમાચારો પણ છે...