બેઠક:વડનગર શહેરને વૈશ્વિક ફલક પર ભલે લઈ જાઓ, એક ટાઈમ સમયસર પાણી તો આપો: અગ્રણીઓ

વડનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી પુરવઠા,ટુરિઝમ વિભાગ અને નગરપાલિકાની બેઠકમાં અગ્રણીઓએ બળાપો કાઢ્યો
  • 15 દિવસથી​​​​​​​ અમરથોળ દરવાજા, લવારશેરી, સુથારશેરી સહિતના વિસ્તારોમાં પાણી વિના ટળવતા રહીશો

વડનગરના અમરથોળ દરવાજા, લવારશેરી, સુથાર શેરી, કોઠા વણકરવાસ (તુરીવાસ),ભોઈવાડો, ભગવતી માતાનું ચાચરૂ, મહાકાળી માતાજી મંદિર ચોક વગેરે વિસ્તારોમાં 15 થી 20 દિવસથી પાણી ન આવતાં આક્રમક બનેલો લોકોએ બુધવારે પાલિકામાં જઈ હોબાળો મચાવતાં સફાળા જાગેલા તંત્રએ ગુરુવારે તોરણ હોટલ ખાતે પાણી પુરવઠા,ટુરિઝમ વિભાગના અધિકારીઓ અને પાલિકા વચ્ચે બેઠક યોજાઈ હતી.જેમાં હાજર રહેલા અગ્રણીઓએ વડનગરને વૈશ્વિક ફલક પર ભલે લઈ જાઓ,એક ટાઈમ સમયસર પાણી તો આપો તેમ કહી બળાપો કાઢ્યો હતો.

પ્રેરણા પ્રોજેક્ટ અંતર્ગત પાણીની જૂની ટાંકી પાડી નવી બનાવેલી ટાંકીમાંથીં પુરતુ પ્રેસર ન મળતાં નગરના કેટલાક વિસ્તારમાં પાણી પહોંચતું નથી.અધિકારીઓએ ટાંકી બનાવતી વખત સ્થાનિક પદાધિકારીઓ સાથે ચર્ચા કર્યા વિના ટાંકી ઊભી કરી દીધી છે. વડનગરમાં દરબાર રોડ પાસે ટુરિઝમ વિભાગ દ્વારા પ્રેરણા પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાઈ રહી છે. જ્યાં આ વિસ્તારમાં બનાવેલી જૂની ટાંકીમાંથી અડધા શહેરને પાણી પહોંચાડવામાં આવતું હતુ.પરંતુ ટુરિઝમ વિભાગ દ્વારા સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કર્યા સિવાય જૂની ટાંકી તોડી પાડી નવી ટાંકી ઊભી કરી છે.

પણ શહેરના કેટલાક વિસ્તારોમાં પુરતુ પાણી પહોંચતું નથી.15 દિવસ પાણી વિના ટળવળતા લોકોએ રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને વાત અથડાતી ન હતી. ટેન્કરના સહારે દિવસો પસાર કર્યા પણ આ સમસ્યાનો હલ ન થતાં લોકોએ બુધવારે પાલિકામાં હોબાળો કરતાં પાલિકા દ્વારા પાણી પુરવઠા અને ટુરિઝમ વિભાગનો સંપર્ક કરતાં વડનગરની દેખરેખ માટે નીમાયેલા ખાસ ફરજ પરના અધિકારી આર.આર.ઠક્કરે પાણીની સમસ્યાનો હલ લાવવા બેઠક યોજી હતી.

જ્યાં અગણ્રીઓએ શહેરમાં જૂની સિસ્ટમથી પાણી આપવા માંગ કરી હતી.વિરોધપક્ષના નેતા ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતુ કે વડનગરના પ્રશ્નોની રજૂઆત કોઈ ધ્યાન લેતું નથી કોઈ બેઠક યોજાય તો નગરના બે ત્રણ લોકો સાથે બેઠક યોજી દેવાય છે. ગમે તે કરો પણ નગરમાં પાણી પહોંચાડો.બેઠકમાં પાલિકા પ્રમુખ જાગૃતિબેન,ઉપપ્રમુખ કાનાજી ઠાકોર,શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ,મામલદાર આર.ડી.અઘારા,પાણી પુરવઠાના અધિકારીઓ હાજર હતા.

18 ઝોનમાં પાણી વિતરણ કરાય છે
CO મનોજભાઈએ જણાવ્યું હતુ કે શહેરમાં બે દિવસે 18 જોનમાં ટુકડે ટુકડે પાણી આપીએ છીએ.જ્યારથી નવી ટાંકીમાંથી પ્રેસર ન મળતાં પાણીની સમસ્યા ઊભી થઈ છે.પ્રેસરથી પાણી મળે તો આ સમસ્યા હલ થઈ શકે

10 દિવસમાં પ્રશ્ન હલ થઈ જશે
આ બેઠકમાં ઉપસ્થિત પાણી પુરવઠા વિભાગના અધિકારીએ જણાવ્યું હતુ કે 10 દિવસમાં પાણીની સમસ્યા હલ કરી દઈશું.પુરતુ પ્રેસર મળે તે માટે વધારે હોર્સ પાવરની મોટર લગાવવી પડે તો પણ લગાવીશું.

ટુરિઝમમાં સફાઈના નામે મોટો ભ્રષ્ટાચાર
પાલિકાના વિરોધપક્ષના નેતા ગીરીશભાઈ પટેલે જણાવ્યું હતુ કે નગરમાં ટુરિઝમ વિભાગ દ્વારા સફાઈ કામદારો મુકવામાં આવ્યા છે.નગરમાં નામ માત્રની સફાઈ થાય છે. ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરી તટસ્થ તપાસની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...