સમ્મેત શિખરજી પાર્શ્વનાથ પર્વતને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવાના વિરોધમાં અને શેત્રુંજ્ય ગીરીરાજ પરના દબાણ તેમજ ગેરકાયદે માઈનિંગ દૂર કરવા મુદ્દે વડનગર જૈન સમાજે બુધવારે રેલી કાઢી મામલતદારને આવેદન આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈનો જોડાયા હતા.
સમ્મેત શિખરજી તીર્થસ્થાનને સરકારે પ્રવાસન સ્થળ જાહેર કર્યું છે. તેમજ ગુજરાતમાં આવેલા જૈન સમાજની આસ્થાના પ્રતીક પાલિતાણામાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને ગત 26મી નવેમ્બરે શંત્રુજ્ય ગીરીરાજ પાલિતાણા પરના દબાણ તેમજ ગેરકાયદે માઈનિંગ દૂર કરવા મામલે જૈન સમાજ આક્રમક બન્યો છે.
કેટલાક તત્વોએ જૈન સાધુ-સાધ્વીઓ તથા અનુયાયીઓમાં ભારે દહેશત ફેલાવી દીધી છે. સરકાર આવા ગુંડાઓ સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ સાથે વડનગર જૈન સમાજના અગ્રણી પ્રતાપભાઈ શાહ, નિલેશભાઈ સહિતની હાજરીમાં બુધવારે રેલી યોજાઇ હતી. જેમાં આગેવાનો, જૈન શ્રેષ્ઠીઓ તેમજ મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયાં હતાં. રેલી બાદ મામલતદાર આર.ડી. અઘારાને મુખ્યમંત્રીની સંબોધીને આવેદન આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.