વડનગર બરોડા બેન્કમાં નવી લોન તેમજ બોજા રદ કરવા સહિત મુદ્દે ગ્રાહકો રોજેરોજ ધક્કા ખાઈ રહ્યા છે. સૌથી વધુ તકલીફ સિનિયર સિટીઝનોને થઈ રહી છે. જૂની ફાઈલો જેમાં વકીલોના ટાઈટલ ક્લિયર થઈ ગયેલા છે છતાં આ કાગળો મળતા નથી તેવો ગ્રાહકોની રાવ છે. તો હાઉસિંગ લોન માટે અધિકારી ધક્કા ખવડાવે છે.
ઉપરાંત, જે ગ્રાહકના નામે નો ડ્યૂ સર્ટી લેવાનું હોય તેની જગ્યાએ બીજાના નામે નો ડ્યૂ સર્ટી આપી દે છે. જ્યારથી દેના બેન્કને બરોડામાં મર્જ કરી અને બજારમાંથી બસ સ્ટેશન પાસે આવી ત્યારથી લોકો હેરાન થઈ રહ્યા છે. આ મામલે મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન સુધી રજૂઆતો કરવા તજવીજ હાથ ધરી છે. આ અંગે મેનેજરને કહેતાં તેમણે કમ્પલેઇન કરવા રિજનલ નંબર છે ત્યાં સંપર્ક કરવો જોઇતો હતો તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.અગાઉ બજારમાં ચાલતી બરોડા બેન્ક ત્રણ મહિના પહેલાં બસ સ્ટેશન લવાઇ હતી. જોકે બેન્કની બાજુમાં લગાવેલું એટીએમ હજુ ચાલુ કરાયું નથી. બેન્ક મેનેજરે જણાવ્યું કે, આ અંગે અમે ઉચ્ચક્ક્ષાએ જાણ કરી છે.
એફડીની રકમ સંયુક્ત ખાતામાં આવતાં 12 દિવસ લાગ્યા, પાંચ ધક્કા ખાધા
બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં ઓટો રિન્યુ એફડીની રકમ આ બેંકના જ સંયુક્ત ખાતામાં ટ્રાન્સફર કરવા જરૂરી ડોક્યુમેન્ટ આપતાં ફરજના કર્મીએ બે દિવસમાં ખાતામાં આવી જશે તેમ કહ્યું હતું. આ રકમ ખાતામાં આવતાં 12 દિવસ લાગ્યા. બેંક મેનેજરને પૂછતાં તેમણે કહ્યું કે, ઓછામાં ઓછા ત્રણ દિવસ થાય.
લોન વધારવા ટાઈટલ ક્લિયર હોય તે કાગળો પણ મળતાં નથી
ગ્રાહકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, લોન વધારવા જે ફાઈલો આપી છે, તેમાં વકીલોના ટાઈટલ થઈ ગયેલા છે, છતાં કાગળો મળતા નથી. હાઉસિંગ લોન માટેના અધિકારી પણ ધક્કા ખવડાવે છે. અધિકારીઓના ત્રાસથી જે રેગ્યુલર એકાઉન્ટ હતા તે પણ બંધ થઈ રહ્યા છે. બીએચએફ કેસીસી લોન માટે પણ હેરાનગતિ વેઠવી પડે છે.
ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરીશું : અગ્રણીઓ
ગીરીશભાઈ, ઘેમરજી ઠાકોર સહિત અગ્રણીઓ તેમજ 10થી પણ વધુ ગ્રાહકોએ જણાવ્યું કે, બેન્ક અધિકારી સમક્ષ કોઈ રજૂઆત કરીએ તો સાંભળતા નથી. તમારે જ્યાં જાઉં હોય ત્યાં જાઉં તેમ કહી ઉડાઉ જવાબ આપે છે. આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરીશું. બેન્ક મેનેજરે જણાવ્યું કે, મારી પાસે આવ્યું નથી. નિયમ પ્રમાણેની પ્રોસેસ થતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.