સ્મૃતિ:નટુકાકાના નિધનથી ઊંઢાઈ શોકમગ્ન, હાસ્યનો ખાલીપો

વડનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાદેવમાં અપાર શ્રદ્ધા ધરાવતા તારક મહેતા... ફેઇમ નટુકાકા ઘનશ્યામભાઇ નાયક શિવરાત્રીએ વતન આવતા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા... હિન્દી સિરિયલમાં શેઠ મેરી પગાર કબ બઢાઓંગે... જેવા ડાયલોગ સાથે હાસ્યની છોરો ઉડાવતા કલાકાર નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું રવિવારે ટૂંકી માંદગી બાદ મુંબઇમાં નિધન થતાં તેમના માદરે વતન વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં શોક છવાઈ ગયો છે. નટુકાકા મહેસાણા સાથે પણ સામાજિક નાતો ધરાવે છે. નટુ કાકાના પુત્ર વિકાસનાં લગ્ન રાધનપુર રોડ પર પુષ્પક બંગ્લોઝમાં રહેતા મુકેશભાઇ નાયકની દીકરી અમી સાથે વર્ષ 2008માં થયાં હતાં.

આ નાતે નટુકાકા મહેસાણાના વેવાઇ થતા હતા. નટુકાકાનું ઉચરપી રોડ ઉપર મકાન હોઇ અવારનવાર મહેસાણા આવે એટલે ત્યાં ફ્લેટમાં રોકાતા. લાખેશ્વર મહાદેવમાં અપાર શ્રદ્ધા ધરાવતા નટુકાકા શિવરાત્રીએ ઊંઢાઈ આવતા, પ્રતિષ્ઠા વખતે એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું તેમ અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું. તેઓ બાળપણથી જ પિતા સાથે આજુબાજુના ગામોમાં ભવાઈ સહિતના કાર્યક્રમમાં જતા હતા. નાનપણથી ભવાઈ અને નાટકોમાં રસ હતો.

નટુકાકા લાખેશ્વર મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા વખતે બે વર્ષ અગાઉ માદરે વતન ઊંઢાઇ આવ્યા, ત્યારે જૂના મિત્રો અને યુવાનો સાથે જૂની યાદો વાગોળી હતી. બસ સ્ટેશનથી ઢાળવાસમાં આવેલું તેમનું જૂનું મકાન હાલમાં હયાત છે, પરંતુ તે વેચાઈ ગયું છે. નટુકાકાના અવસાનની જાણ થતાં રવિવારે મહેસાણાથી મુંબઇ જવા રવાના થયેલા મુકેશભાઇ નાયકે કહ્યું કે, અમારા વેવાઇ (નટુકાકા) મહેસાણા આવે ત્યારે સ્વામિનારાયણ મંદિરે રોકાણ કરતા. સહારા ટાઉનશીપમાં રહેતાં નિમીષાબેન ભોજકે કહ્યું કે, કુટુંબમાં નટુકાકા અમારા બનેવી થાય.

6 મહિના પહેલાં મહેસાણા અમારા નિવાસે આવ્યા હતા. તેમના એકાએક નિધનથી આઘાત લાગ્યો છે. જ્યારે ઉચરપી રોડ પર ફ્લેટના પાડોશી યુવાનોએ પણ નટુકાકા આવતા ત્યારે ખાટી-મીઠ્ઠી વાતો કરી હસાવતા, હવે આ હાસ્યનો ખાલીપો રહેશે તેવી લાગણી વ્યકત કરી હતી.ભવાઇ અને જૂની રંગભૂમિથી શરૂ કરીને છેલ્લે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"થી વિશ્વ ખ્યાતિ પામેલા ઘનશ્યામભાઈ નાયકે 250થી વધુ ફિલ્મો પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...