લોક પ્રતિનિધિના વર્તનને લઈને હાઈકોર્ટ દ્વારા એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ચુકાદોમાં કહેવામાં આવ્યું છે કે બિન સંસદીય કે અભદ્ર ભાષાનો પ્રયોગ લોક પ્રતિનિધિને ગેરલાયક ઠરાવવાનું યોગ્ય અને વ્યાજબી કારણ કહી શકાય. જનતા લોક પ્રતિનિધિના પગલે ચાલે છે ત્યારે જનપ્રતિનિધિએ લોકોને સાચો માર્ગ દેખાડવાની જરૂર છે. ઊંઝા નગરપાલિકાના એક કોર્પોરેટરે ગેરલાયક ઠરાવવાના નિર્ણયને બહાલ રાખતા જસ્ટિસ નિર્ઝર દેસાઈએ આ ચુકાદો આપ્યો હતો.
કોર્પોરેટરનો વીડિયો પણ પુરાવા તરીકે રજૂ કરાયો
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ઊંઝા નગરપાલિકાએ કોરોના મહામારી દરમિયાન પોલીસ અને દુકાનદારો સાથે બેઠક યોજી હતી. એ સમયે અઠવાડિયા સુધી દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર આ નિર્ણયની અમલવારી અંગે કોઈ સ્વાર્થ વગર કામ કરી રહ્યા હતા. ત્યારે લોક પ્રતિનિધિ તરીકે સહકાર આપવાના બદલે સરકારી સેવકના કામમાં રુકાવટ કરવાનું સ્પષ્ટ જણાય છે. ઊંઝા નગરપાલિકા કોર્પોરેટરનો વાતચીત કરતો વીડિયો પણ પુરાવા તરીકે રજૂ કરાયો હતો.
2021માં સભ્ય પદેથી હકાલપટ્ટીનો હુકમ હતો
માનવ જીવનની કિંમત ધંધા રોજગાર કરતા વધુ હોવાનું જાણતા હોવા છતાં અરજદારે લોકોના જીવ જોખમ મુકાય એ રીતનું વર્તન કર્યું હતું. જે યોગ્ય કહી શકાય નહીં. ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 37 હેઠળ ચૂંટાયેલા પ્રતિનિધિને ગેરલાયક ઠરાવી શકાય છે. ઊંઝા મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલા કોર્પોરેટર ભાવેશ પટેલની સરકારી કામમાં રુકાવટ અને અભદ્ર ભાષના પ્રયોગ બદલ 2021માં સભ્ય પદેથી હકાલપટ્ટીનો હુકમ કરાયો હતો. જેની સામે નારાજ લોકપ્રતિનિધિએ ગુજરાત હાઈકોર્ટમાં રીટ કરી હતી.
શું હતો મામલો?
ઊંઝા નગરપાલિકા ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર જસ્મીન પટેલ કોરોના કાળ દરમિયાન 26 માર્ચ 2021ના રોજ સરકારી નિર્દેશ અનુસાર દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા ત્યારે અરજદાર લોક પ્રતિનિધિએ તેમની સાથે ગેરવર્તણૂક કરી ઊંચા અવાજે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ધમકી આપી હતી. સરકારી કામમાં રુકાવટ કરી હતી. લોક પ્રતિનિધિ દ્વારા આ પ્રકારનું ગેરવર્તન અને ગેરવર્તણૂક કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. તેથી ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ હેઠળ સભ્ય પદેથી દૂર કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય અને કાયદેસર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.