ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ લોક દરબાર બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઊંઝા પોલીસ સ્ટેશનના પી આઈ, પી એસ આઈ તેમજ ઊંઝા પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિત ઊંઝા તાલુકા અને શહેરના સામાજિક આગેવાનો તેમજ ગ્રામ પંચાયતના સરપંચો તેમજ તાલુકા સદસ્યો હાજર રહ્યા હતા.
ઊંઝામાં બનતી ગટનાઓ વિષે ઊંઝા પોલીસ સ્ટેશનના પી.આઈએ આવેલા આગેવાનોને માહિતી પુરી પાડી હતી. વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. તો જે પણ ઈસમો આ તહેવાર ઉપર ચાઈનીઝ બનાવટની પ્લાસ્ટિક દોરીનું વેચાણ કરતા હોય તો અટકાવવા તેમજ એમના વિરૂદ્ધમાં ફરિયાદ દાખલ કરવી. જેથી કરીને ઊંઝામાં આવી પ્લાસ્ટિક દોરીથી કોઈનો જીવ બચી શકે અને કોઈ જીવલેણ ઘટના ના બને એ હેતુસર માહિતી આપી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. જેને લઈને ચોરીની ઘટનાઓ ના બને એ હેતુએ ઊંઝાના ગ્રામ્ય તેમજ શહેર વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગામના યુવાનો જાગીને પોતાના વિસ્તારમાં ચોરી જેવી કોઈ ઘટના બને નહીં અને કોઈ એવા અજાણ્યા વ્યક્તિઓ જાણવા મળે તો તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ કરવા જણાવ્યું હતું.
હાલમાં ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો હેરાન થઇ રહ્યા છે. વ્યાજખોરો પૈસા આપી વ્યાજ વસૂલી કરે છે અને જે માણસે પૈસા લીધા હોય તેની સામે વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપી હેરાન કરે છે. કોઈ ગરીબ વ્યક્તિ આવા કિસ્સામાં ફસાયો હોય તો તાત્કાલિક જાણ કરવી. જેને લઈને કોઈ અઘટિત ઘટના બને નહીં. જે તમામ બાબતે ઊંઝા પોલીસ સ્ટેશનના પી.આઈએ માહિતી આપી હતી અને તમામ સામાજિક અગ્રણીઓને સતર્ક રહેવાની અને ગામમાં તમામ લોકોને જાગૃતિ લાવવાની અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.