ઊંઝા આજુબાજુ વિસ્તારમાં ઠેર ઠેર હોળી દહન કરવામાં આવી હતી. હિંદુ ધર્મ મુજબ જે નવ પરણિત યુગલ હોય તેઓ હોળી દહન ફરતે ફેરા ફરે છે. તેમજ જે બાળકો હોય એમને પણ હોળીના દર્શન કરાવવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યારબાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે.
ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોળીકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.હોળીનાં બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.