ધાર્મિક:સોમવારે મા ઉમિયાની નગરયાત્રા વધામણાં કરવા ઊંઝામાં ઉત્સાહ

ઊંઝા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ઊંઝા નગર રજા પાળશે, દરેક ઘેર આસોપાલવનાં તોરણ બંધાશે
  • 3 કિલોમીટર લાંબી નગરયાત્રામાં 151 ટેબલો અને 1 લાખ લોકો જોડાશે

ઊંઝામાં બિરાજમાન જગત જનની સમાજ કલ્યાણી મા ઉમિયાની પ્રતિ વર્ષ નીકળતી પરંપરાગત નગરયાત્રા કોરોના મહામારીના કારણે બે વર્ષ મોકૂફ રખાયા બાદ ચાલુ સાલે વૈશાખ સુદ પૂનમને સોમવારે ભવ્યાતિભવ્ય રીતે નીકળનાર છે. આ નગરયાત્રા ઉમિયાધામથી સવારે 8.15 કલાકે શરૂ થઇ નગરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. 3 કિલોમીટર લાંબી આ નગરયાત્રામાં 150થી વધુ ટેબલો સાથે એક લાખથી પણ વધુ લોકો જોડાવાનો અંદાજ હોવાનું ઉમિયા માતાજી સંસ્થાનના માનદ મંત્રી દિલીપભાઇ નેતાજીએ જણાવ્યું હતું.

આ નગરયાત્રામાં ભક્ત મંડળ, મહિલા મંડળ તેમજ સમગ્ર ગુજરાતના ઉમિયા પરિવાર સંગઠનના ભાઈઓ તેમજ બહેનો તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મુંબઈ સહિતના વિસ્તારોમાંથી મા ઉમિયાના ભક્તો પણ જોડાશે. આ વર્ષે મા ઉમિયા ભવ્ય સુશોભિત દિવ્યરથમાં બિરાજમાન થઈ નગરજનોને દર્શન આપવા રાજમાર્ગો ઉપર નીકળશે.

મા ઉમિયાનાં વધામણાં કરવા અને દર્શન કરવા શેરી, મહોલ્લા, ચોક, સોસાયટીઓ, ગંજબજાર અને અન્ય બજારો તેમજ રાજમાર્ગો ઉપર લીલાં તોરણ બાંધી, સાડીઓ બિછાવી તેમજ માતાજીને ઠેરઠેર આરતી અને પૂજન માઈભક્તો દ્વારા કરવામાં આવશે. એપીએમસીમાં તમામ વેપારીઓ અને ચેરમેન સહિત હોદ્દેદારો, નગરપાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટરો, તમામ જ્ઞાતિ જાતિ, સમાજો, સંસ્થાઓના હોદ્દેદારો, આગેવાનો વગેરે મા ઉમિયાનું સ્વાગત કરવા થનગની રહ્યા છે. માની નગરયાત્રાને લઇ સોમવારે સમગ્ર ઊંઝાવાસીઓ કામ ધંધો બંધ રાખી માના ઉત્સવમાં ભક્તિભાવથી જોડાશે.

નગરયાત્રાનું પ્રસ્થાન કલેકટરના હસ્તે લીલીઝંડી આપી કરાવાશે. કોરોના કાળમાં છેલ્લા બે વર્ષથી મા ઉમિયાની નગરયાત્રા નીકળી ન હોઇ ચાલુ વર્ષે ભક્તોનો અને ઉમિયા પરિવાર સંગઠનના ભાઈ બહેનોનો ઉત્સાહ અનેકગણો વધારે છે. સમગ્ર શહેરમાં મા ઉમિયાના સ્વાગત માટે જુદાજુદા સમાજો, સંસ્થાઓ, યુવાગ્રુપો તૈયારીમાં લાગ્યા છે. નગરયાત્રા 5 કિમીની પરિક્રમા કરી નીજમંદિરે બપોરે 1-30 કલાકે પરત ફરશે.

અન્ય સમાચારો પણ છે...