હનીટ્રેપ કેસ:મહેતાજી સિવાય ઊંઝાના 2 અને ઉનાવાના એક શખ્સને હનીટ્રેપમાં ફસાવ્યાની કબૂલાત

ઊંઝા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઊંઝા પોલીસના રિમાન્ડ દરમિયાન આરોપીઓની કબૂલાત
  • પોલીસે આરોપીઓ પાસેથી વધુ ‌‌~14.30 લાખ રિકવર કર્યા, કુલ ~15.30 લાખ રિકવર થયા

ઊંઝા હનીટ્રેપ કેસમાં રિમાન્ડ પર રહેલા આરોપીઓ પાસેથી ઊંઝા પોલીસે રવિવારે 1 લાખ રિકવર કર્યા બાદ સોમવારે વધુ 14.30 લાખ રિકવર કર્યા છે. આરોપીઓની પૂછપરછમાં ઊંઝાના બે અને ઉનાવાના એક વ્યક્તિને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની કબૂલાત કરતાં ભોગ બનનારના નિવેદન લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. હનીટ્રેપ કેસમાં ડિમ્પલ પટેલ સહિત 7 આરોપીઓના રિમાન્ડ દરમિયાન ઊંઝા પોલીસે આરોપીઓ પાસેથી રૂ.15.30 લાખ રોકડ રકમ રિકવર કરી છે.

જ્યારે ગુનામાં વપરાયેલી અર્ટીગા, એક્ટીવા અને બાઈક અને 7 મોબાઈલ કબજે લેવાયાં છે. જોકે, 7 આરોપી સિવાય અન્ય કોઈ શખ્સની આ ગુનામાં હજુ સુધી સંડોવણી ખુલી નથી તેમ પોલીસે જણાવ્યું છે. તેમજ આ ટોળકીએ ઊંઝાની પેઢીના મહેતાજી સિવાય ઊંઝાના 2 અને ઉનાવાના 1 વ્યક્તિને પણ ફસાવ્યા હોવાનું કબૂલતાં પોલીસે ભોગ બનનાર ઊંઝાના બે વ્યક્તિનાં નિવેદન લેવા પ્રક્રિયા હાથ ધરી છે.

ઉનાવાના વ્યક્તિનો સંપર્ક થઇ શક્યો નથી. સમાજમાં બદનામ થવાના ડરથી ભોગ બનેલા વ્યક્તિઓ પોલીસ સ્ટેશન આવતાં કે ફરિયાદ કરતાં ખચકાઈ રહ્યા હોવાથી ગુનેગારોને મોકળું મેદાન મળે છે, અન્ય લોકો હનીટ્રેપનો ભોગ બને નહીં તે માટે ભોગ બનનારાએ પોલીસનો સંપર્ક કરવો જોઈએ તેમ ઊંઝા પીઆઈ એસ.જે. વાઘેલાએ જણાવ્યું હતું.