આજે શુક્રવારે ઉંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના ઉમેશ્વર હોલ ખાતે દાતાઓનો સન્માન અને દાયિત્વ સ્વીકૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પૂર્વ અમદાવાદ ઉમિયાધામ પ્રોજેક્ટના મુખ્ય દાતાઓનો સન્માન કાર્યક્રમ તેમજ ઉમિયાધામ પૂર્વ અમદાવાદ પ્રોજેક્ટ કમીટી સભાસદોનો દાયિત્વ સ્વીકૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કુલ રૂ. 20 કરોડથી પણ વધારે દાનની જાહેરાતો થઈ
પૂર્વ અમદાવાદમાં રહેતા ઉમિયા પરિવારની લાગણીને માન આપીને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા એ પૂર્વ અમદાવાદમાં 10 વીઘા જમીનની ખરીદી કરેલી છે. આ જમીન ઉપર ધાર્મિક-સામાજીક-શૈક્ષણિક અને આરોગ્યલક્ષી જેવા વિવિધ પ્રોજેક્ટો તૈયાર કરી માઁ ઉમિયા ધામનું નિર્માણ કરવામાં આવશે. મા ઉમિયાધામના નિર્માણમાં દાન આપનાર દાતાઓ પૈકી મુખ્ય દાતા બાબુભાઇ વિઠ્ઠલદાસ પટેલ વીઆઇપી એજ્યુકેશન કેમ્પસ મૂળ વતની વેણપુરા હાલ અમદાવાદ તરફથી રૂ. 7 કરોડ 51 લાખ અને બીજા દાતા ભગવાનભાઈ જોઇતારામ પટેલ જેમ્સ પંપ એ રૂ. પાંચ કરોડ એક લાખની જાહેરાત કરી હતી. તેમજ બીજા અન્ય દાતાઓની પણ જાહેરાત થઈ હતી, આમ કુલ રૂ. 20 કરોડથી પણ વધારે સમાજના ઉત્કર્ષ માટે દાનની જાહેરાતો થઈ હતી, તેમજ સર્વે દાતાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
માં ઉમિયાધામ પ્રોજેક્ટ વિકાસ કમિટીની રચના કરવામાં આવી
આ સિવાય પૂર્વ અમદાવાદ માં ઉમિયાધામ પ્રોજેક્ટ વિકાસ કમિટીની રચના કરવામાં આવી હતી. તેમજ વિવિધ કમિટીઓના હોદેદારો તેમજ સભ્યોનો દાયિત્વ સ્વીકૃતિ નિમણુંક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા અને શ્રી ઉમિયા પરિવાર મહિલા સંગઠનની અમદાવાદ શહેરની બહેનોએ ત્રણ વર્ષની કરેલ કામગીરીની નોંધ લઈ વિસ્તૃત કરેલા સંગઠન નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર મહિલા ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઇ જે પટેલ, પૂર્વ પ્રમુખ મણિભાઈ મમ્મી ,મંત્રી દિલીપભાઈ નેતાજી સહિત સંસ્થાના હોદેદારો, વિવિધ કમિટીઓના ચેરમેનો, કારોબારી સભ્યો, પૂર્વ અમદાવાદ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ ,ઊંઝા શહેરના અગ્રણીઓ, ઊંઝા શહેરના અગ્રણીઓ ,દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યકમનું સંચાલન મહિલા સંગઠનના ચેરપર્સન જાગૃતિબેન પટેલે સંભાળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.