સમસ્ત કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાન ઊંઝા ખાતે કોરોના મહામારીને લઇ બે વર્ષ બંધ રખાયેલી ઉમિયા માતાજીની પરંપરાગત શોભાયાત્રા આ વર્ષે વૈશાખ સુદ પૂનમને ના રોજ તા.16મેને સોમવારના દિવસે ભવ્યાતિભવ્ય માહોલમાં નીકળનાર છે. જેને લઇ નગરજનોમાં ભારે ઉત્સાહ છવાયો છે.
ઉમિયા માતાજી નગરયાત્રા મહોત્સવ અનુસંધાને મંદિરમાં ઉછામણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે 16 જેટલી ઉછામણી કરવામાં આવી હતી. જેમાં કુલ મળીને રૂ.11,82,222ની ઉછામણી બોલાઇ હતી. સંસ્થાના માનદ મંત્રી દિલીપભાઇ નેતાજીએ જણાવ્યું કે, વિશ્વના સૌથી મોટા બીજા નંબરના ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞના આયોજન બાદ કડવા પાટીદાર સમાજમાં નવી જ ચેતનાનો સંચાર થયો છે.
કુળદેવી ઉમિયા માતાજીના પ્રાગટ્ય સ્થાનના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઉમિયા માતાજીની નગરયાત્રા વૈશાખ સુદ પૂનમ 16 મેને સોમવાર સવારે 8-15 કલાકે ઉમિયા માતાજી મંદિર ચાચર ચોકથી પ્રસ્થાન થશે. રથનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના હસ્તે કરાવાશે.
નગરયાત્રામાં હાથી, ઘોડા, બગીઓ, મોટરકારો, ઝાંખીઓ, બેન્ડવાજા, ધ્વજપતાકા, એર આઈટમ, રાસ મંડળી, સૈનિક બાહુબલી, જાજ નૃત્ય, લેઝીમ નૃત્ય, ખડકવાડી, માતાજીના ભકતોના યુવક મંડળો, માઈ મંડળો, મહિલા ભક્ત મંડળો તથા માતાજીનો દિવ્ય રથ સામેલ કરાશે. હાલમાં તૈયારીઓ ચાલી રહી છે.
ઉમિયા મૈયાની નગરયાત્રા ઉછામણી
નવચંડી હવનના યજમાન | રૂ.55,000 |
માતાજીને રથમાં બિરાજમાન | રૂ.1,58,000 |
માતાજીને સ્વસ્થાને બિરાજમાન | રૂ.1,67,000 |
માતાજીના રથનું પ્રસ્થાન | રૂ.51,000 |
માતાજીને ચમર ઢોળવાના | રૂ.51,000 |
માતાજીને વીંઝણો ઢોળવાનો | રૂ.51,000 |
માતાજીના છડીદાર | રૂ.21,000 |
ફૂલોની આંગી | રૂ.72,000 |
માતાજીની સાડી | રૂ.65,000 |
ઝાલર વગાડવાના | રૂ.22,222 |
ગુલાબજળ છાંટવાના | રૂ.31,000 |
કંકુના થાપા મારવાના | રૂ.41,000 |
ધજા-5 | રૂ.75,000 |
હાથીસવાર-2 | રૂ.90,000 |
ઘોડેસવાર-2 | રૂ.32,000 |
બગી-5 | રૂ.2,00,000 |
કુલ | રૂ.11,82,222 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.