તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ક્રેડીટ સોસાયટીમાં રોકેલા નાણાં પરત ન મળતાં યુવતીનો કેનાલમાં આપઘાત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વણાગલાની યુવતીના આપઘાત મામલે એક મહિને ફરિયાદ નોંધાઇ
  • મહેસાણાની શુભલક્ષ્મી ક્રેડીટ અને સમર્પણ ક્રેડીટ સોસાયટીના ચેરમેન સહિત 3 સામે આપઘાત માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઇ

ઊંઝાના વણાગલાની યુવતી અને માણસા તાલુકાના ગુનમાની પરિણીતાના આત્મહત્યા કેસમાં મહેસાણાની શુભલક્ષ્મી ક્રેડીટ સોસાયટી અને સમર્પણ ક્રેડીટ સોસાયટીના ચેરમેનો સહિત 3 સામે ફરિયાદ નોંધાઇ છે. યુવતીએ રોકાણ કરેલી રકમના વળતર મામલે ક્રેડીટ સોસાયટીના ચેરમેનોએ હાથ અધ્ધર કરી દેતાં યુવતીએ આસજોલ પાસ કેનાલમાં પડીને આત્મહત્યા કરતાં યુવતીના પિતાએ બહુચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે 3 સામે ગુનો નોંધ્યો છે.

વણાગલાના હીરાભાઈ રેવાભાઈ ચૌધરીની દીકરી જ્યોત્સનાબેનના લગ્ન માણસાના ગુનમામાં થયા હતા. તેણી મહેસાણાના ધરતી બંગલોઝમાં રહીે 5 વર્ષ પહેલાં શુભલક્ષ્મી કો-ઓ ક્રેડીટ સોસાયટીમાં નોકરી કરતા હતા. તેના ચેરમેન તરીકે જોટાણાના ગોકળગઢના પ્રદિપભાઈ સાલુભાઈ ચૌધરી અને ખારાના કીર્તિભાઈ પારસંગભાઈ ચૌધરી હતા. શુભલક્ષ્મી ક્રેડીટ સોસાયટી બંધ થતાં સમર્પણ કો-ઓ ક્રેડીટ સોસાયટીમાં મેનેજર તરીકે નોકરી કરી હતી.

તે વખતે તેના ચેરમેન ખારાના કીર્તિભાઈ પારસંગભાઈ ચૌધરી હતા. ક્રેડીટ સોસાયટીમાં કરેલું રોકાણ સારા નફા માટે જ્યોત્સનાબેનની જાણ બહાર પ્રાઈવેટ કંપનીમાં કરતા હતા. ક્રેડીટ સોસાયટીના રોકાણકારોના નાણાં સારા નફા માટે ઊંચા વ્યાજે એફએક્સ બુલ કંપનીમાં રોકાણ કર્યા હતા.

આ કંપની માલિક મહેસાણાના દિક્ષિતભાઈ સુથાર હતા અને તેમાં કીર્તિ ચૌધરી અને તેની ફોઈનો ભાણો પ્રદિપ ચૌધરી કંપનીમાં ભાગીદાર હતા. ક્રેડીટ સોસાયટીના રોકેલા પૈસા પરત નહી મળતાં જ્યોત્સનાબેને કીર્તિ ચૌધરી અને પ્રદિપ ચૌધરી પાસે અનેક વખત માગણી કરવા છતાં નહી આપતાં જ્યોત્સનાબેને ગત. તા.9-7-2021ના રોજ આસજોલ પાસેની નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે જ્યોત્સનાબેનના પિતા હીરાભાઈ ચૌધરીએ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ખારાના કીર્તિભાઈ પારસંગભાઈ ચૌધરી, ગોકળગઢના પ્રદિપભાઈ સાલુભાઈ ચૌધરી અને મહેસાણાના દિક્ષિત કાન્તિલાલ સુથાર સામે આપઘાત કરવા માટે મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આપઘાત પહેલાં મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો
જ્યોત્સનાબેનના પ્લેઝરમાં પડેલો મોબાઈલ ચેક કરતાં તેણીએ આસજોલ કેનાલમાં પડતાં પહેલા વિડીયો બનાવ્યો હતો. તેણીના પિતાને આ વિડીયો મળી આવતાં બહુચરાજી પોલીસને આપ્યો હતો. તેથી પોલીસે પુરાવા તરીકે વિડીયો કબજે લીધો છે.

કંપનીમાં કરેલા રોકાણનું પેજ પણ મળી આવ્યું
જ્યોત્સનાબેને ક્રેડીટ સોસાયટીના મેનેજર તરીકે એફએક્સ બુલ્સ કંપનીમાં રોકાણ કર્યુ હતુ. આ રોકાણ કર્યાના તેમના હસ્તાક્ષરમાં લખેલા ચોપડાનું એક પેજ પણ મળી આવ્યુ છે. જેમાં તા.17-4-2020 થી તા.1-12-2020 સુધી રૂપિયા 66,19,000નુ રોકાણ કર્યુ હોવાના તેમજ કંપનીની બેઠકના ફોટા પણ મળી આવ્યા છે.

મહેસાણા, ઈડર અને ગાંધીનગરમાં ગુના નોંધાયા છે
ગોકળગઢના પ્રદિપ ચૌધરી વિરુદ્ધ શુભલક્ષ્મી ક્રેડીટ સોસાયટી મામલે મહેસાણામાં ફરિયાદ નોંધીને તપાસ ચાલુ છે. જ્યારે એફએક્સ બુલ્સમાં પ્રદિપ ચૌધરી, ઈશ્વર ચૌધરી, દિક્ષિત સુથાર વિરૂદ્ધ ગાંધીનગરમાં પણ છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હોવાનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે.

કીર્તિ ચૌધરીના પત્ની જિ.પં.કોંગ્રેસના સદસ્ય રહી ચૂક્યા છે
ખારાના કીર્તિભાઈ પારસંગભાઈ ચૌધરી અગાઉ પૂર્વ સાંસદના ખાસ ટેકેદાર ગણાય છે. પૂર્વ સાંસદ સાથે તેઓએ પક્ષપલટો કર્યો છે. કીર્તિભાઈ ચૌધરીના પત્ની રમીલાબેન વર્ષ 2011 થી 2015 સુધી મહેસાણા જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય રહી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...