અનોખી સિદ્ધિ:પુનાસણ ગામનો યુવાન કરિયાણાનો વેપાર છોડી પશુપાલનમાં જોડાયો, હવે 10 ગાયો થકી વર્ષે રૂ.10 લાખની આવક રળે છે

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વીઘા જમીનમાં પણ લાખોની આવક રળી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું, વાર્ષિક રૂ.9.67 લાખનું દૂધ ભરાવ્યું

એક વીઘો જમીનમાં પણ પશુપાલનનો વ્યવસાય કરી લાખો રૂપિયાની આવક મેળવી શકાય છે તેવું પુનાસણના લક્ષ્મણભાઈ ચૌધરીએ પુરવાર કરી બતાવ્યું છે. 23 વર્ષ સુધી કરિયાણાનો વેપાર કરનાર યુવાને વેપાર છોડી 10 જેટલી ગાયોના પશુપાલન થકી વર્ષે રૂ.9.67 લાખનું દૂધ ભરાવે છે.પુનાસણ ગામના લક્ષ્મણભાઈ જોઈતારામ ચૌધરી માત્ર 9 ચોપડી ભણેલા છે.

1994માં કરિયાણાની દુકાન શરૂ કરી, પણ ઉધારના ધંધાથી આવક ન દેખાતાં 2017માં કરિયાણાનો ધંધો ભાઈને સોંપી પશુપાલન વ્યવસાય અપનાવ્યો. રૂ.5 લાખનું રોકાણ કરી રાજસ્થાનથી પંજાબી બ્રિડની 9 એચએફ અને 1 દેશી કાંકરેજ ગાય લાવી તબેલો શરૂ કર્યો. દોઢ વીઘા જમીનમાંથી અડધા વીઘામાં તબેલો બનાવી એક વીઘા જમીનમાં બુલેટઘાસ વાવ્યું. ઘાસનો બગાડ થાય નહીં તે માટે ઘાસકટર, ગાયો દોહવા મિલ્કિંગ મશીન વિકસાવ્યું. આજે વાર્ષિક રૂ.9.67 લાખનું દૂધ મંડળીમાં ભરાવે છે.

સારી ઓલાદનાં પશુ અને ટેકનોલોજી ઉપયોગી બન્યાં
લક્ષ્મણભાઈ ચૌધરીએ કહ્યું કે, મહેસાણા તાલુકામાં એચએફ ગાય સરેરાશ 5 થી 6 લિટર દૂધ આપે છે. પશુપાલનની પડતર ઉંચી જતાં નજીવો નફો મળે. તેથી મેં પંજાબી બ્રિડની સારી ઓલાદની ગાયો ખરીદી દૈનિક 20 લિટર દૂધ મળે છે. જેથી દૂધની આવક પૈકી 50 ટકા નફો મળે છે. વાર્ષિક 8.64 લાખનું દૂધ, ડેરી દ્વારા 30 ટકા પ્રમાણે 1.03 લાખનો નફો અને છાણિયા ખાતરમાંથી રૂ.42 હજારની આવક પ્રમાણે કુલ રૂ.10.09 લાખ જેટલી વાર્ષિક આવક થાય છે. તેમાં 50 ટકા માર્જીન ગણીએ તો રૂ.5 લાખની આવક થાય છે.

લક્ષ્મણભાઈ પાસેથી અન્ય યુવાનોએ પણ પ્રેરણા મેળવી
દૂધ મંડળીના મંત્રી સગરામભાઈ ચૌધરીએ કહ્યું કે, લક્ષ્મણભાઈએ સારી ઓલાદનાં પશુ અને ટેકનોલોજી અપનાવતાં ઓછી જમીનમાં પણ બે પાંદડે થયા છે. એક વીઘા જમીનમાં પણ પશુપાલનથી સારો નફો મેળવી શકાય તેમાંથી પ્રેરણા લઇ ગામના ત્રણેક યુવાનોએ તબેલા શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...