તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:પાણી શુદ્ધિકરણ પ્લાન્ટનું કામ ત્રણ મહિના પછીયે સાવ ધીમું

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગલપુર અને કસ્બામાં એસટીપીનું કામ અધૂરું મૂકનારી એજન્સીને 5 વર્ષે બ્લેકલિસ્ટ કરી નવી એજન્સીને કામ સોંપાયું
  • નવી એજન્સીએ વર્કઓર્ડર મળ્યાના ત્રણ મહિનામાં હજુ સ્થળ પર માટીપુરાણ અને સફાઇ કામગીરી જ કરી છે

મહેસાણા શહેરમાં નાગલપુર અને કસ્બા સ્થિત ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ (સુવઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું કામ અધૂરું છોડી 5 વર્ષ કરતાં વધુ સમયથી એજન્સી નહીં આવતાં જીયુડીસી દ્વારા બ્લેકલિસ્ટ કરી આ કામગીરી માટે નવેસરથી ટેન્ડર કરાયું હતું. જેમાં ગત મે મહિનામાં દિલ્હીની એજન્સીને આ બંને અધૂરા પ્લાન્ટ રૂ. 51 કરોડના ખર્ચે તૈયાર કરવા વર્કઓર્ડર અપાયો હતો. જોકે, તેના ત્રણ મહિનામાં હજુ સ્થળ પર માટીપુરાણ અને સફાઇને લગતી કામગીરી જ થઇ છે. બીજી તરફ શહેરમાં ભૂગર્ભ ગટરો વારંવાર ચોકઅપ થવાની સમસ્યા વધી છે.

જીયુડીસી દ્વારા 5 વર્ષ અગાઉ મુંબઇની એજન્સીને મહેસાણા શહેરમાં બે જગ્યાએ રૂ. 21 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ બનાવવા કામગીરી સોંપાઇ હતી. જોકે, આ એજન્સીએ કામ પડતું મૂકતાં બંને પ્લાન્ટ પાંચ વર્ષથી ટલ્લે ચઢ્યા હતા. આથી અધૂરી કામગીરી પૂર્ણ કરી અદ્યતન પ્લાન્ટ બનાવવા જીયુડીસી દ્વારા નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરી દિલ્હીની એજન્સીને રૂ. 51 કરોડમાં વર્કઓર્ડર અપાયો છે. આ એજન્સીની કામગીરી પણ મંથરગતિએ થતી હોવાની રાડ ઉઠી છે.

શહેરમાં ગટરના ગંદા પાણીનો ખારી નદીમાં નિકાલ થતો હોય છે ત્યારે સત્વરે એસટીપી પ્લાન્ટ તૈયાર થાય તો ગંદું પાણી ટ્રીટમેન્ટ કરી ખેતી અને ઉદ્યોગ વપરાશમાં લઇ શકાય.પાલિકાના સૂત્રોએ કહ્યું કે, જીયુડીસીની એજન્સી મારફતે બંને પ્લાન્ટમાં કામગીરી શરૂ કરાઇ છે. નાગલપુર તળાવ સાઇડ હાલ માટીપુરાણ કરાયું છે. કેટલીક જરૂરી વિગતો એજન્સીએ મેળવી છે અને હાલ પ્લાન્ટ કામ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...