ભાસ્કર એક્સક્લૂઝિવ:મહિલા IPSએ વેરાન જમીનને બનાવી દીધું વન

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • IPS અધિકારીનો વાઇલ્ડ લાઇફ પ્રત્યેનો પ્રેમ : ભચાઉ SRP કેમ્પસની ટેકરી પર ત્રણ વર્ષમાં 100થી વધુ દેશી પ્રજાતિનાં 40 હજાર વૃક્ષોનું જંગલ બનાવ્યું, 100 થી વધુ પ્રજાતિના પક્ષીઓ, મધમાખીઓ, પતંગિયા, સસલાં જેવાં પ્રાણીઓનું ઘર બન્યું

ચિન્તેષ વ્યાસ
કચ્છના સૂકા પ્રદેશ વિશે માન્યતા છે કે અહીં જંગલ ન હોય. ભચાઉ એસઆરપી કેમ્પસની પથ્થરાળ અને રેતાળ એવી મેકરણધાર ટેકરીને 3 વર્ષ પહેલાં જોઇ ત્યારે મારું જંગલ બનાવવાનું સ્વપ્ન એક ગંભીર પડકાર સામાન લાગેલ. એમાં પણ પાણીની અછત બીજો સૌથી મોટો પ્રશ્ન. આ શબ્દો છે ગુજરાતના આઇપીએસ સુધા પાંડેના. ત્રણ વર્ષની મહેનતના અંતે આજે રેતાળ અને પથરાળ વિસ્તાર 100 થી વધુ પ્રજાતિના 40 હજાર વૃક્ષોનું જંગલમાં ફેરવાયો છે. તેમજ 100 થી વધુ પ્રજાતિના હજારો પક્ષીઓ સાથે પ્રાણીઓનું રહેણાંકના સ્થળ સાથે ઇકો ટુરિઝમ પ્લેસ બની શક્યું છે.

હાલ રાજકોટમાં SRP કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં IPS સુધા પાંડેએ જણાવ્યું હતું કે, 2019માં અમદાવાદમાં પોસ્ટીંગ સાથે મિયાવાકી જંગલો બનાવાના અભિયાનની શરૂઆત કરેલી. ત્રણેક મહિનામાં 3 હજાર જેટલા રોપા વાવ્યા. ત્યાં તો કચ્છના ભચાઉમાં આવેલા એસઆરપી કેમ્પમાં પોસ્ટીંગ થઇ.

IPS સુધા પાંડેએ એક સમયે પથરાળ એવી ટેકરીઓ પર વન સર્જ્યું.
IPS સુધા પાંડેએ એક સમયે પથરાળ એવી ટેકરીઓ પર વન સર્જ્યું.

IPS અધિકારીનો વાઇલ્ડ લાઇફ પ્રત્યેનો પ્રેમ
પાણીની અછતને પહોંચી વળવા કેમ્પસમાં વપરાતા પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી શુદ્ધ કરી રોપાઓને પિયત આપવા 125 એકર જમીનમાં સિંચાઇની જાળ બનાવી. મિયાવાકી પધ્ધતિથી ઓર્ગેનિક ફોરેસ્ટ બનાવવા કેમ્પસમાં ગૌ સંવર્ધન શરૂ કરી છાણીયું ખાતર બનાવ્યું. કેમ્પસના તમામ કિચન વેસ્ટ અને અન્ય જૈવિક કચરાથી ખાતર બનાવવાની શરૂઆત કરી.

ત્રણ વર્ષમાં 100થી વધુ દેશી પ્રજાતિનાં 40 હજાર વૃક્ષોનું જંગલ બનાવ્યું
સાથે સાથે હજારો છોડની માંગને પહોંચી વળવા કેમ્પસમાં જ એક નર્સરી પણ તૈયાર કરી. 3 વર્ષની તેઓની અને જૂથ 16 ના જવાનોની તનતોડ મહેનતના અંતે 100 થી વધુ જાતના 40 હજાર વૃક્ષોના નાના નાના જંગલો વિકસી ચૂક્યા છે. જેમાં ફ્લાવર વેલી, પતંગીયા ઉધાન, કેક્ટ્સ ગાર્ડન, પીપળ વન ઉપરાંત વરસાદી પાણીના સંગ્રહ માટે તળાવ પણ બનાવ્યું.

હરીયાળો વિસ્તાર નહીં પરંતુ પ્રવાસીઓ માટે ઇકો ટુરિઝમ પ્લેસ બન્યું
જંગલ તૈયાર થતાની સાથે 100 થી વધુ પ્રજાતિના સેંકડો પક્ષીઓ નોંધાયા. જેમાં રણશીંગી તુતી જેવા યાયાવર પક્ષીઓ સાથે વોટર બર્ડ પણ આવવા લાગ્યા. સિઝનમાં દેશમાં જોવા મળતી 4 મધમાખીના 300 થી 400 પુડા જોવા મળે છે. સસલાં અને શિયાળ જેવા પ્રાણીઓ તેમજ સાપ અને નોળીયા જેવા સરીસૃપોનું રહેણાંક બન્યું છે. આજે કેમ્પસનો એક માત્ર હરીયાળો વિસ્તાર નહીં પરંતુ પ્રવાસીઓ માટે ઇકો ટુરિઝમ પ્લેસ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...