બેઠક:જેને જવું હોય એ જાય, જવાવાળાને કોઇ રોકી શકતું નથી, હાર્દિક ગયા બાદ કોઇએ કોંગ્રેસ છોડી નથી: જગદીશ ઠાકોર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં ઉત્તર ગુજરાતના કોંગ્રેસના આગેવાનોની બેઠકમાં ચોમાસા પહેલાં ચૂંટણી કાર્યક્રમોની ચર્ચા કરાઇ
  • ભિલોડાના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના પુત્ર કેવલના ભાજપમાં જોડાવા મુદ્દે પ્રદેશ પ્રમુખ બોલ્યા

ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની મુદત પૂરી થાય તે પહેલાં ભાજપે કોંગ્રેસના ખમતીધર આગેવાનોને પક્ષમાં જોડી ગાબડાં પાડવાની રણનીતિ અપનાવી છે. તેમાંય ખાસ ઉ.ગુ. પર ધ્યાન કેન્દ્રિત કરી આદિવાસી નેતા ધારાસભ્ય અશ્વિન કોટવાલ બાદ હવે ધારાસભ્ય સ્વ. ડૉ.અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાને પણ ભાજપમાં જોડી રહ્યા છે.

મહેસાણાથી પાટીદાર અનામત આંદોલનની શરૂઆત કરનાર હાર્દિક પટેલ પણ કેસરિયો ખેસ પહેરવાની તૈયારીમાં હોઇ બચાવની સ્થિતિમાં આવી ગયેલ કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાંથી બીજા કોઇ નેતા ભાજપમાં ન જાય તે માટે મથામણ શરૂ કરી છે. જે કવાયતના ભાગરૂપે ઉત્તર ગુજરાતના કોંગ્રેસના હોદ્દેદારોની રાજ્યમાં સૌપ્રથમ બેઠક સોમવારે મહેસાણામાં પ્રદેશ નેતાઓની હાજરીમાં યોજાઇ હતી.

મીડિયા સાથે વાતચીતમાં ભિલોડાના કોંગી ધારાસભ્યના પુત્ર ભાજપમાં જોડાવા અંગે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, જનારાને કોઇ રોકી શકતા નથી, જેમણે જવાનું મન બનાવી લીધું હોય તે જતા હોય છે, એમને રોકી શકતા નથી. જ્યારે શું હાર્દિકના રાજીનામા પછી કોંગ્રેસ તોડી શકશે તેવા સવાલના જવાબમાં જગદીશ ઠાકોરે કહ્યું કે, રાજીનામા પછી તેમણે કરેલી કોમેન્ટનો 99 ટકાએ વિરોધ કર્યો છે. પ્રજા દુરબીન લઇને બેઠી છે. ભૂતકાળમાં કરેલા ભાષણો અને હાલ શું કરવા બેઠા છે તેમાં વધારે પડતું અંતર દેખાતું હશે તો પ્રજા અંતર બતાવી દેશે.

અહીં કમળાબા હોલમાં ચોમાસા પહેલાં કોંગ્રેસના ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે મળેલી બેઠક અંગે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, ચોમાસા પહેલા ગુજરાતમાં રાહુલ ગાંધીના મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને બારડોલીમાં બે પ્રોગામ થઇ શકશે. ઉ.ગુ.માં ચોમાસુ કેવું રહે છે એમ કાર્યક્રમની વિચારણા કરાશે. પહેલા ભાજપ વહેલી ચૂંટણીના આયોજનમાં હતો, બે મહિના પહેલા અમને પૂછેલું તો કહેલું કે આવતી કાલે જાહેર કરો કોંગ્રેસ તૈયાર છે.

દક્ષિણ ગુજરાતમાં આદિવાસી આંદોલનના કારણે તેમણે બે ડ્રીમ પ્રોજેક્ટ રદ કરવા પડ્યા. વિવિધ સમાજના આંદોલન ચાલી રહ્યા છે. શિક્ષણ, બેરોજગાર, પેપર ફૂટવાના મુદ્દે શહેર, ગામમાં ભાજપને ઘૂસવા દેતા નથી, તેને ધ્યાને રાખી દેશના નેતૃત્વને બોલાવી ભાજપ ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે, અમે અમારી તૈયારીઓ કરી રહ્યા છીએ.

ગેનીબેન ઠાકોરના અભદ્ર શબ્દપ્રયોગ અંગે કહ્યું કે, રાજકીય, સામાજિક આગેવાનો બોલવામાં થોડું ભાન રાખીએ તો સારૂ. બેઠકમાં પ્રભારી ર્ડા.રઘુ શર્મા, વિપક્ષનેતા સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અમીત ચાવડા, પરેશ ધાનાની, અર્જુન મોઢવાડિયા હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...