મુશ્કેલી:સર્વર ખોટવાતાં પાલિકામાં મિલકત વેરો ભરવા આવનારને ધક્કો પડ્યો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યકક્ષાએથી વારંવાર ઓનલાઇન સર્વર ઠપ થઇ જતાં મુશ્કેલી

મહેસાણા નગરપાલિકામાં શુક્રવારે સવારથી વેરા શાખામાં મિલકત વેરો ભરવા આવેલા શહેરીજનોને ઓનલાઇન સર્વર ઠપ હોવાના કારણે વેરો ભર્યા વગર પરત ફરવું પડ્યું હતું. હવે ઇ-નગર મારફતે ઓનલાઇન પ્રક્રિયાથી વેરા સ્વીકારી પાવતી જનરેટ થતી હોઇ સર્વર ઠપ હોય ત્યારે મિલકતદારોને ધક્કો પડ્યો હતો. જ્યારે કર્મચારીઓ પણ સર્વર એક્ટિવ થાય તેની રાહમાં મિલકતદારોને આશ્વાસન આપી ચલાવી રહ્યા છે. ગુરુવાર બાદ શુક્રવારે પણ કલાકો સુધી સર્વર ઠપ રહ્યું હતું.

નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષના માંગણા બિલો મિલકતદારોને મોકલવામાં આવતાં જાગૃત નાગરિકોનો સમય મર્યાદામાં વેરો ભરવા માટે નગરપાલિકામાં ધસારો વધ્યો છે. મોટાભાગના વોર્ડમાં માંગણા બિલો પછી નગરપાલિકામાં વેરાની આવક વધી છે. ત્યાં વેરા સ્વીકારવા માટે સિઝનના દિવસોમાં જ ઓનલાઇન સર્વર વારંવાર ઠપ રહેતાં વેરા સ્વીકારવામાં પણ મુશ્કેલી સર્જાઇ રહી છે. બીજી તરફ વેરો ભરવા આવતા મિલકતદારોને ફેરો પડી રહ્યો છે. શુક્રવારે બપોરે 12.30 વાગ્યા સુધી વેરો ભરવા આવેલા ઘણા મિલકતદારો ઓનલાઇન સર્વર કાર્યરત ન હોઇ પરત ફર્યા હતા, તો કેટલાક હમણાં ચાલુ થશે તેની રાહ જોતા બેઠા હતા.

અન્ય સમાચારો પણ છે...