મહેસાણા જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા 736 વેપારીઓ સામે 2022ના વર્ષ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં જાન્યુઆરી 2022થી ડિસેમ્બર 2022 સુધી વિવિધ દેશોના વેપારીઓને દંડી કુલ 15 લાખથી વધુ દંડ વસૂલવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લા તોલમાપ કચેરી દ્વારા એક વર્ષ દરમિયાન 736 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગ્રાહકોને ઓછું આપવાના 48 કેસ નોંધાયા, જેમાં 1.47 લાખ દંડ કરવામાં આવ્યો. સીલબંધ પેકિંગમાં ભાવ વધારે લેતા 25 કેસ કરાયા, જેમાં 68 હજાર દંડ કરવામાં આવ્યો. ભાવમાં ચેકચાક કરવાના કેસમાં 30,000 દંડ, પેકિંગ ઉપર નિર્દેશ ન લખેલા હોય તેવા 15 કેસમાં 5.99 લાખ દંડ, તોલમા સાધનો પ્રામાણિક ન કરાવ્યા હોય તેવા 492 કેસમાં 2.78 લાખ દંડ, હોટલમાં મેનુ કાર્ડમાં જથ્થો લખ્યો ન હોય તેવા એક કેસમાં 5000 દંડ મળી કુલ 15 લાખ 9 હજાર 950 દંડની વસૂલાત કરવામાં આવી છે.
મહેસાણામાં 80 લાખ, પાટણમાંથી 41 લાખ ફીની આવક
મહેસાણા જિલ્લા તોલમાપ મદદનીશ નિયંત્રક એસ.વી પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યા પ્રમાણે પાટણ જિલ્લામાંથી 2022 દરમિયાન મુદ્રાંકન ચકાસણીની ફીની આવક 41.97 લાખ થઈ તો મહેસાણા જિલ્લામાંથી 80 લાખ આવક થઈ. જોકે, મહત્વની બાબત એ છે કે મહેસાણા અને પાટણ જિલ્લામાં આ સમગ્ર કામગીરી કરનારા માત્ર એક અધિકારી અને ત્રણ ઈંસ્પેક્ટરે મળી તોલમાપને લગતી કાર્યવાહીની કામગીરી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.