યુવા ઉત્સાહ:અમે કોરોના વેક્સિન લીધી, તમે લીધી કે નહીં

મહેસાણા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાની રસી લેવા 18થી 44 વર્ષના યુવાનો પ્રથમ દિવસે શનિવારે સવારે મહેસાણા સિવિલમાં 2 કલાક પહેલાં એટલે કે 7 વાગ્યાથી લાઇનમાં ઊભા રહી ગયા હતા. - Divya Bhaskar
કોરોનાની રસી લેવા 18થી 44 વર્ષના યુવાનો પ્રથમ દિવસે શનિવારે સવારે મહેસાણા સિવિલમાં 2 કલાક પહેલાં એટલે કે 7 વાગ્યાથી લાઇનમાં ઊભા રહી ગયા હતા.
  • કોરોનાની રસી લેવા મહેસાણા શહેરના 18 થી 45ના યુવાનોમાં ભારે ઉત્સાહ, ધોમધખતા તડકામાં પણ લાઇનમાં ઊભા રહ્યા
  • મહેસાણા સિવિલ હોસ્પિટલ, નાગલપુર, ખેરવા, બલોલ અને પાંચોટમાં પ્રથમ દિવસે 950 યુવાનોએ વેક્સિન લીધી, જિલ્લામાં 2708 યુવાનોએ મૂકાવી

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં શનિવારે 18 થી 45ની વયના યુવાનો માટે વેક્સિનેશન સવારે 9 વાગે શરૂ થાય તેના બે કલાક પહેલાં યુવાનોની લાઇન લાગી હતી. અહીં પ્રથમ દિવસે ઉત્સાહપૂર્વક વેક્સિન લેવા આવેલા યુવાનો ધોમધખતા તડકામાં પણ ઊભા રહ્યા હતા. બપોરે 2 વાગ્યા સુધી ધસારો જોવા મળ્યો હતો. સાંજે 5.30 વાગ્યા સુધીમાં રજીસ્ટર્ડ 200 નામ પૈકી 176 યુવાનોએ કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી. નાગલપુર પ્રાથમિક શાળા કેન્દ્રમાં પણ સવારે ભીડ થઇ હતી.

પ્રથમ દિવસે મહેસાણા સિવિલ હોસ્પિટલ, નાગલપુર, ખેરવા, બલોલ અને પાંચોટ સહિત 5 સેન્ટરમાં કુલ 950 યુવાનોનું વેક્સિનેશન થયું હતું. શનિવારે 10,928 લોકોએ કોવિડ રસી લીધી હતી. જેમાં 18 થી 44 વર્ષના 2708 યુવાનો હતા. જ્યારે જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ 4,54,689 લોકો કોવિડ રસી લઇ ચૂક્યા છે.

યુવતીઓમાં પણ ઉત્સાહ

મહેસાણા નાગલપુર સેન્ટરમાં વેક્સિનેશન માટે યુવતીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં મોટી સંખ્યામાં યુવતીઓએ રસી લીધી હતી.
મહેસાણા નાગલપુર સેન્ટરમાં વેક્સિનેશન માટે યુવતીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં મોટી સંખ્યામાં યુવતીઓએ રસી લીધી હતી.

તંત્રના કોવેક્સિનના ડિફોલ્ટ મેસેજથી ઘણાને ફેરો પડ્યો, સિવિલના રસીકેન્દ્ર પર નારાજ યુવાનોનો હોબાળો

મહેસાણા સિવિલ હોસ્પિટલ સેન્ટરમાં કોવેક્સિનના મેસેજ આવેલા યુવાનોનાં નામ ઓનલાઇન રજીસ્ટર થતા નહોતા. જોકે, સ્ટાફે અનેક પ્રયાસો કરી જોયા, પરંતુ શક્ય ન થયું. વડી કચેરીમાં વાત કરી તો કોવેક્સિનનો તંત્રમાંથી જ ઓનલાઇન ડિફોલ્ટ મેસેજ થયો હોઇ, હવેથી સુધારો કરવો પડશે, નામ ન દર્શાવતાં તેમને વેક્સિન આપી શકાઇ નહોતી. આ દરમિયાન કેટલાક યુવાનોએ મેસેજ તો છે કોવિશિલ્ડ આપો તેમ કહી હળવો હોબાળો કર્યો હતો અને થોડો સમય કામ વિલંબિત થયું હતું. જોકે, સ્ટાફે કહ્યું, અહીં ઓનલાઇન 200 રજીસ્ટર નામ દર્શાવે તેમને જ વેક્સિન અપાય. સિક્યુરિટીએ સોશિયલ ડિસ્ટન્સ ભંગ થવા લાગતાં બધાને છુટા કર્યા પછી વિખેરાયા હતા.

ગણપત યુનિવર્સિટીમાં એમએસસી ફૂડ ટેકનોલોજીનો અભ્યાસ કરતી ચિત્રોડીપુરા ગામની ધારા ચૌધરીને સવારે વેક્સિનના સમયે ઓનલાઇન ક્લાસ હતો. વેક્સિન લઇ ઓબ્ઝર્વેશન રૂમમાં બેસી મોબાઇલથી ઓનલાઇન ક્લાસમાં જોડાઇ હતી. તેણીએ કહ્યું, દરેક નાગરિકે વેક્સિન લેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...