હુકમ:ચરાડા દૂધ મંડળીની વ્ય. સમિતિના સભ્યપદેથી વિપુલ ચૌધરી હટાવાયા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગેરલાયક ઠરેલ હોવા છતાં ડેરીના પૂર્વ ચેરમેને હકીકત છુપાવી વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે ચાલુ હતા
  • ગાંધીનગર રજિસ્ટ્રાર દ્વારા સહકારી કાયદાની કલમ 76 બી( 1) અન્વયે આદેશ કરાયો

દૂધ સાગર ડેરી સામે ઘી માં ભેળસેળ મામલે તંત્રની સખત કાર્યવાહી બાદ ડેરીના પૂર્વ ચેરમેન અને માણસાની ચરાડા ગામની દૂધ મંડળીની વ્યવસ્થાપક કમિટીના સભ્ય વિપુલ ચૌધરી સામે જિલ્લા રજીસ્ટારમાં ચાલતા ખટલાને અંતે તેમને વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી દૂર કરતો હુકમ કરવામાં આવતા ડેરીના દૂધના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.

સહકારી રજિસ્ટ્રારના સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે મહેસાણા દૂધ સાગર ડેરી સાથે સંલગ્ન ચરાડા દૂધ મંડળીની વ્યવસ્થાપક સમિતિ ના સભ્ય પદે વિપુલભાઈ માનસિંહભાઈ ચૌધરી ને ગાંધીનગર જિલ્લા રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ આપી હતી તેની સામે કોઈ મનાઈ હુકમ આવેલ ન હોય તેમ જ કચેરીએ રજૂઆતની તક આપવા છતાં કોઈ જવાબ રજૂ થયેલ નથી.

મંડળીની ધંધાકીય પ્રવૃત્તિમાં સૂચનો આપવા ચૂંટાયેલા કે નિમાયેલા સમિતિના સભ્યને મંડળીના ઓફિસર ગેરલાયક ઠરે તો તેમને કલમ 76 બી ની જોગવાઈ થી રજીસ્ટર દૂર કરી શકે છે. વિપુલ ચૌધરી ગેરલાયક ઠરેલ હોવા છતાં જાણીબૂજીને હકીકત છુપાવી વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે ચાલુ રહ્યા છે ,આ મામલે કારણ દર્શક નોટિસ આપવા છતાં કોઈ સ્પષ્ટતા કે રજૂઆત જવાબમાં આવી ન હોય હકીકતને સાચી માનીને ગાંધીનગર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચરાડા મંડળીની વ્યવસ્થાપક સમિતિના સભ્ય પદેથી વિપુલ ચૌધરીને દૂર કરતો હુકમ કરાયો છે.

ડેરીની ચૂંટણી લડવા અન્ય વિકલ્પો ખુલ્લા
વિપુલ ચૌધરી ચરાડા દૂધ મંડળીના સભ્ય પદેથી દૂર કરાયા હોય આ રાહથી ચૂંટાઈને ડેરીમાં હવે ન આવી શકે.પરંતુ વિપુલ ચૌધરી ખેરાલુના જોડીયા ગામની દૂધ મંડળીમાં સભ્ય છે આ ઉપરાંત ઈત્તર મંડળી અને વ્યક્તિ સભાસદની એક સીટ પણ ડેરીમાં હોય છે તેના ડેલિકેટ મારફતે પણ ચૂંટાઇને ડેરી નો રાહ ખુલ્લો હોવાનું સુમાહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. જોડીયા મંડળીમાં ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઈ ચૌધરી પણ સભ્ય છે. આમ પણ વિપુલ ભાઈ ચૌધરી વ્યક્તિ સભાસદ ની સીટથી ચૂંટણી લડીને ડેરીમાં આવતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. કોર્ટના કોઇ આદેશો ન હોય તો આ બે રસ્તા ખુલ્લા છે.

અન્ય સમાચારો પણ છે...