દૂધસાગર ડેરીની ચૂંટણીમાં હાર મળ્યાં બાદ વિપુલ ચૌધરીને વધુ એક ફટકો પડ્યો છે. પોતાના માદરે વતન ચરાડાની દૂધમંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની આખી પેનલની હાર થઇ છે. સામે અમિત ચૌધરીની પેનલનો વિજય થયો છે. ગઇકાલે ચરાડા દૂધ ઉત્પાદક મંડળીની ચૂંટણી યોજાઇ હતી. જેમાં વિપુલ ચૌધરી અને અમિત ચૌધરીની પેનલે ઉમેદવારી નોંધાવી હતી. આજે પરિણામ જાહેર થતાં જ વિપુલ ચૌધરી પેનલની હાર થઇ છે.
પોતાના જ ગામની ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની હાર
મહેસાણા જિલ્લાની ચરાડા દૂધ ઉત્પાદક મંડળીમાં વિપુલ ચૌધરી પેનલથી હાર થઇ છે. પોતાના જ ગામની ડેરીની ચૂંટણીમાં હાર મળતાં વિપુલ ચૌધરીના વળતાં પાણી થયા હોય તેવો ઘાટ ઘડાયો છે. તાજેતરમાં યોજાયેલ દૂધસાગર ડેરીની ચૂંટણીમાં પણ વિપુલ ચૌધરીની કારમી હાર થતાં પશુપાલકોએ દૂધસાગરનો તાજ યુવા ચેરમેન અશોકભાઇ ચૌધરીને પહેરાવ્યો હતો.
હવે વિપુલ ચૌધરીની માદરે વતનમાં પણ હાર થઇ છે. ચરાડાદૂધ મંડળીમાં વ્યવસ્થાપક કમિટીની 11 સામાન્ય બેઠકો અને 2 મહિલા બેઠકો એમ કુલ 13 બેઠકો માટે 18 ઉમેદવાર મેદાનમાં હતા. જેમાંથી વિપુલ ચૌધરી પેનલના ઉમેદવારોને સૌથી ઓછા 249 મત મળ્યા હોવાનુ સામે આવ્યુ છે. જ્યારે અમિત ચૌધરી પેનલની જીત થઇ છે.
દૂધસાગર ડેરીમાં સાત મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં વિપુલ ચૌધરીના શાસનનો અંત આવ્યો હતો
છ હજાર કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી મહેસાણાની દૂધસાગર ડેરીમાં 15 વર્ષ બાદ વિપુલ ચૌધરીના એકહથ્થુ શાસનનો અંત આવ્યો હતો. સાત મહિના પહેલં યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં 15 બેઠકો પૈકી માત્ર વિજાપુરની બે બેઠકોને બાદ કરતાં બાકીની તમામ 13 બેઠકો પર અશોક ચૌધરી જૂથની પરિવર્તન પેનલનો વિજય થયો હતો. તે સમયે વિપુલ ચૌધરી ખેરાલુ બેઠક પરથી 13 મતે હાર્યા હતા.
વિપુલ ચૌધરીની સીઆઇડી ક્રાઇમે અંદાજે આઠેક મહિના અગાઉ ધરપકડ કરી હતી
દુધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીની સીઆઇડી ક્રાઇમે અંદાજે આઠેક મહિના અગાઉ ધરપકડ કરી હતી. સાગરદાણ કૌભાંડના રૂ.9 કરોડની ચૂકવણીમાં મદદ કરવા અગાઉના ચેરમેન સહિત 3 હોદ્દેદારોએ ગયા વર્ષે ડેરીના કર્મીઓના બોનસની રૂ.14.80 કરોડની ઉચાપત મામલે વિપુલ ચૌધરી સહિત કુલ 4 વ્યક્તિઓ સામે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.
વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં દુષ્કાળ સમયે વિનામૂલ્યે સાગરદાણ મોકલી મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ (દૂધસાગર ડેરી)ને રૂ.22.50 કરોડનું નુકસાન પહોંચાડવા મામલે વિપુલ ચૌધરીને દોષી ઠેરવતાં રાજ્ય રજીસ્ટ્રારે સહકારી કાયદાની કલમ 76/બી (1)(2) મુજબ જાન્યુઆરી, 2015માં નોટિસ આપી હતી. ત્યાર બાદ ટ્રિબ્યુનલ કોર્ટે 29 જુલાઇ 2018એ વિપુલ ચૌધરીને 40 ટકા પ્રમાણે રૂ.9 કરોડ દૂધસાગર ડેરીમાં ઓક્ટોબર-2019 સુધીમાં જમા કરાવવા હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.