મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકાના મગરોડા ગામે ત્રિવેણી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અને ગામમાં તમામ સમાજ જ્ઞાતિ માટે ઉપયોગી બને તે હેતુથી નવનિર્મિત વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી ઋષિકેશ પટેલે ગામની આ નવનિર્મિત વાડીનું ઉદ્ઘાટન કરતા મગરોડા ગામ હંમેશા વિકાસને વળગી રહ્યું છે અને દાતાઓનો સહયોગ અમૂલ્ય રહ્યો હોવાનું જાણવી આજ રીતે તમામ ગામ સમાજો અને રાજ્યનો વિકાસ થાય તે માટે શુભેચ્છા પાઠવી હતી. જોકે, આ પ્રસંગે વિપુલ ચૌધરી પણ ઉપસ્થિત રહેતાં સૌ કોઇ ચોંકી ઉઠ્યાં હતા.
છેલ્લા એક મહિનાથી મહેસાણા જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વચ્ચે ભારે વિરોધ જોવા મળ્યો હતો. ત્યારે વિપુલ ચૌધરી ગામેગામ સભા યોજી અર્બુદા સેના મજબૂત કરવા તૈયાર થઈ રહ્યા છે અને ડેરીની ચૂંટણીમાં ગોટાળા કર્યા હોવાના આક્ષેપ કરી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના રાજીનામાની વાત કરતા અનેક સભાઓમાં જોવા મળ્યા હતા. ત્યારે આજે મગરોડા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિપુલ ચૌધરી એકજ સોફા પર જોડે બેસેલા જોઈ અનેક લોકો પણ ચોંકી ઉઠ્યા હતા.
આ સામાજિક પ્રશ્નગ હોવાના કારણે હાલમાં ચેરમેન અશોક ચૌધરી, ઋષિકેશ પટેલ, વિપુલ ચૌધરી સહિતના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે આ સભા દરમિયાન ડેરીના હાલના ચેરમેન અશોક ચૌધરી જરૂરી કામકાજ હોવાનું કહી ચાલુ સભા છોડી નીકળી ગયા હતા. ત્યારે વિપુલ ચૌધરી અને ઋષિકેશ પટેલ એક જ સોફા પર બેસેલા જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.