સન્માન:સાર્વજનિક વિદ્યાલયના વ્યાયામ શિક્ષક વિનોદ પ્રજાપતિ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માધ્યમિક વિભાગના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021માં સમાવેશ કરવામાં આવ્યો

મહેસાણાની વિવિધલક્ષી સાર્વજનિક વિદ્યાલયના શિક્ષક વિનોદ પ્રજાપતિની માધ્યમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2021 તરીકે પસંદગી પામ્યા છે. મહેસાણાની ટી.જે. હાઈસ્કૂલ અને પાંચ લીમડી સ્થિત વિવિધલક્ષી સાર્વજનિક હાઈસ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકેના યોગદાન બદલ રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2021 માટે પસંદગી કરી છે. વિનોદભાઈએ 17 વર્ષ સુધી ટી.જે. હાઈસ્કૂલ અને 4 વર્ષથી સાર્વજનિક હાઈસ્કૂલમા વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

વિનોદ પ્રજાપતિએ રમતગમત ક્ષેત્રે આપેલા યોગદાનમાં સ્કાઉટ ગાઈડમાં 24 વિદ્યાર્થીને રાજ્યપાલ પુરસ્કાર અને 3 વખત રાષ્ટ્રીય કક્ષાનું પ્રતિનિધિત્વ, ખેલ મહાકુંભમાં 76 વિદ્યાર્થીએ મેડલ અને રૂ.18.65 લાખના ઈનામ મેળવ્યા, ટી.જે.હાઈસ્કૂલમાં 480 વૃક્ષો ઉછેરી શ્રેષ્ઠ પર્યાવરણ શિક્ષકનો એવોર્ડ મેળવ્યો, 2017ના ખેલમહાકુંભમાં સાર્વજનિક વિદ્યાલયે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી રૂ. 1.50 લાખનું ઈનામ મેળવ્યું.

2017 અને 2018નાં ખેલ મહાકુંભમાં સાર્વજનિક વિદ્યાલયના પ્રાથમિક વિભાગે જિલ્લામાં ત્રીજો નંબર મેળવ્યો, તેમજ બોક્સિંગ, થાઈ બોક્સિંગ, કીક બોક્સિંગ, જુડો-કુસ્તી સ્પર્ધામાં 56 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ રમીને 17 વિદ્યાર્થીઓએ મેડલ મેળવ્યા, રાજ્ય સરકારની સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્કોલરશીપ હેઠળ બોક્સિંગની રમતમાં 11 વિદ્યાર્થીની પસંદગી થતાં વાર્ષિક રૂ.66,500નું પેકેજ મળ્યું, શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને 5 લાખ સ્કોલરશીપ અપાવી, વર્ષ 2015માં રમતજગત મેગેઝીનમાં રાજ્યના 44 પ્રાધ્યાપકો અને શિક્ષકો પૈકી વિનોદ પ્રજાપતિનો સમાવેશ કરાયો હતો.