વિરોધ:આંબલિયાસણમાં રેલવે દ્વારા RCC દીવાલ બનાવતાં ગામલોકોનો વિરોધ

આંબલિયાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસમાં ઉકેલ નહીં આવેતો ગાંધી ચિંધ્યા માર્ગે રેલ રોકો આંદોલનની ચીમકી

મહેસાણાના આંબલિયાસણ સ્ટેશને રેલ્વે દ્વારા આંબલિયાસણ ગામથી સ્ટેશન બજારને જોડતો વર્ષો જૂનો રસ્તો બંધ કરી દીધો છે. ત્યારે આરસીસી દીવાલ બનાવવાનું કામ શરૂ કરતાં રોષની લાગણી પ્રસરતાં ગ્રામજનોએ ભેગા મળીને સ્ટેશન માસ્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી.

ગાયકવાડ સરકાર સમયના વર્ષો જૂના આંબલિયાસણ રેલ્વે મથકે રેલ્વેની બન્ને તરફના આવેલ ગામડાના લોકો વર્ષોથી અવર-જવર માટે આ માર્ગનો ઉપયોગ કરતા હતા પરંતુ રેલ્વેના ગેજ પરિવર્તન બાદ પાટા નાંખવામાં આવતા તેમજ લોખંડની ફેનસિંગ કરીને માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે જેના લીધે વિદ્યાર્થીઓ તેમજ પ્રજાજનોને જીવના જોખમે પાટા ક્રોસ કરીને અવર-જવર કરવી પડી રહી છે ત્યારે અહીંના ગ્રામજનો દ્વારા સાંસદ, ધારાસભ્ય તેમજ રેલ્વે વિભાગના સબંધિત અધિકારીને રજૂઆત કરીને અંડરબ્રિજ કે ઓવરબ્રિજની માંગણી કરાઇ રહી છે.

પરંતુ જાણે લોકોની રજૂઆત સંભળાતી ના હોય તેમ આંખ આડા કાન કરી સોમવારેઆરસીસી દીવાલ બનાવવાનું કામ શરૂ કરતાં લોકોએ ભેગા થઈને કામ બંધ કરાવ્યું હતું અને માજી સરપંચ મણીલાલ મકવાણા, ગાંડાલાલ પટેલ, મહેશ પટેલ, અરવિંદ ઠાકોર, ગોવિંદ સુથાર, હરેશ મોદી, સહિતના લોકોએ તલાટીને મળીને રજૂઆત કરી તેમજ સ્ટેશન માસ્તરને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આગામી જો 10 દિવસમાં ઉકેલ નહિં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે રેલ રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...