ચૂંટણી સભા:વડનગરના બાજપુરમાં ગામતળાવ,ખેરાલુના ગોરીસણા ગામમાં પાણીનો પ્રશ્ન, પણ અમારે સાહેબ તો સાહેબ હો..

મહેસાણા14 દિવસ પહેલાલેખક: બ્રિજેશ પટેલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણામાં મોદીની સભા પહેલાં ગ્રામીણોએ વાતચીતમાં ગામની સમસ્યા અને ચૂંટણી વિશે પ્રતિભાવો આપ્યા

મહેસાણાના એરોડ્રામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભા પહેલાના ત્રણ કલાકથી જિલ્લાના શહેરી, ગ્રામીણ કાર્યકરો, ચાહકોનો સભા સ્થળે પહોંચવા પ્રવાહ શરૂ થયો. ત્યાં ગામના આઠ, દશના જૂથમાં આવતાં લોકો ચૂંટણી ચોપાટની વાતો કરતાં જ સભામાં ગોઠવાતા જોવા મળ્યા હતા. આવામાં ખેરાલુના ગોરીસણાના પાંચેક વયસ્ક, બે યુવાનોને પૂછ્યું કે તમારે ત્યાં ચૂંટણી માહોલ છે, શું છે ગામનો પ્રશ્ન, તો એક યુવાન બોલ્યા, ભાઇ અમારે છ મહિનાથી ગામમાં પીવાના પાણીની તકલીફ છે. એમાંયે આઠ દિવસથી પાણી આવ્યું નથી.

આમ તો ધરોઇનું પાણી આવે છે, પણ અનિયમિત હોય છે. એવામાં પ્રસંગ ટાણે મોટર બળી જાય એટલે પાણીનો કકળાટ થાય છે. બસ બાકી બધું બરોબર છે. ચૂંટણીમાં તો ગામમાં સાહેબ તો સાહેબ (મોદીજી) જ હો.વિજાપુરના દેવપુરા ગામના તમાકુના એક વેપારીએ ગામના પ્રશ્ન વિશે કહ્યું, પાણીની ટાંકીનો પ્રશ્ન છે, ભાઇ ટાંકી મંજૂર થઇ છે, હજુ બની નથી. બાકી કોઇ પ્રશ્ન નથી.

વડનગર તાલુકાના બાજપુરા ગામના કાકાએ સભામંડપ તરફ આગળ વધતાં રસ્તામાં ગામના પ્રશ્નને છેડતાં કહ્યું કે, તળાવ ગંદુ છે તેને ચોખ્ખુ કરાવવું છે. ગટરનું પાણી તળાવમાં જાય છે. મોટી ગટર લાઇન નાંખવાની છે, રોડ બનાવવાનો છે, બસ આ થઇ જાય એટલે સમસ્યા પૂરી. બાકી મોદી સાહેબનું વતન. અમારે તો ચૂંટણીમાં એ જ ચાલે. વડનગરના 77 વર્ષીય વૃદ્ધે ઊંઝા બેઠક વિશે કહ્યું, અમે અને કે.કે. (ઉમેદવાર) જનસંઘના હો. ભાઇ કોઇ ચાર-પાંચ ટર્મથી ચૂંટાઇને આવતા હોય એટલે તેમના દુશ્મનો પણ ઉભા થતા હોય. જનસંઘના કે.કે.ને વાંધો નહીં આવે.

આ મોદી સાહેબને મેહોણા આવવું પડે એટલામાં તો સમજો
કડીની રાજેશ્વરી સોસાયટીના સુરેન્દ્રસિંહ કડી બેઠક અંગે પ્રતિભાવમાં બોલ્યા. અમારે કરશનભાઇ તો નીતિનભાઇના જ માણસને. એટલે બધું સચવાઇ જવાનું. ઘી ખીચડીમાં જ ઢળ્યું છે. ઊંઝાના વણાગલાના યુવાને ચૂંટણી માહોલ અંગે કહ્યું, ભાઇ આ મોદી સાહેબને મેહોણા આવવું પડે એટલામાં તો સમજો.

અમારું ગામ તો 90 ટકા ભાજપ પણ સીટમાં ફીફ્ટી ફીફ્ટી જેવું છે. કોંગ્રેસના ઉમેદવાર પણ સક્ષમ ને આપ પણ જોર મારે છે. એટલે મહેનત તો રહેશે. ભલે બધા ગમે તે કહે. એક વયસ્કને પૂછ્યું કેમ આવેલા તો કહ્યું એરપોર્ટ દેખવા. બાકી ચૂંટણીનો માહોલ તો હાવ ફિક્કો છે. ભોજન પૂરતો ટેમ્પો ચૂંટણીમાં રહે છે, પહેલાં જેવું જામતું નથી.

અન્ય સમાચારો પણ છે...