ઉત્તર ગુજરાતની 3 બેઠકો પર 4 દિગજ્જોએ ફોર્મ ભર્યા છે. જેમણે રજૂ કરેલા એફિડેવિટ પ્રમાણે સૌથી વધુ રૂ.94.58 કરોડની મિલકતના આસામી ભાજપના વિજાપુરના ઉમેદવાર રમણભાઇ પટેલ છે. જ્યારે પ્રાંતિજ બેઠકના ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર પાસે સૌથી ઓછી રૂ.36.47 લાખની મિલકત છે.
વિજાપુરના કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા પાસે રૂ.7.44 કરોડ અને વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પાસે રૂ.45.48 લાખની મિલકત છે. આ ઉમેદવારોમાં માત્ર ગેનીબેન ઠાકોરની 2017ની સરખામણીએ મિલકત ઘટી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં વિજાપુરના ઉમેદવાર રમણ પટેલે મંગળવારે ફોર્મ ભર્યું હતું.
આ પહેલાં સભાને સંબોધતાં પાટીલે કોંગ્રેસ પર પ્રહારો કરતાં ક્હ્યું કે, કોંગ્રેસે સૂત્ર આપ્યું છે કે કામ બોલે છે. એમના પેઈન્ટરને પૂછ્યું તો કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ. મારે લખવાનું હતું કે કોંગ્રેસના કૌભાંડો અને ભ્રષ્ટાચાર બોલે છે. કોંગ્રેસ કહેતી હતી કે વિકાસ ગાંડો થયો છે. પણ આ જ વિકાસને કારણે રાજ્યના યુવાનોને રોજગારી પણ મળે છે.
વિજાપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પ્રહાર :
કોંગ્રેસે સૂત્ર આપ્યું છે કામ બોલે છે, એમના પેઈન્ટરને પૂછ્યું તો કહ્યું મારી ભૂલ થઈ છે, કોંગ્રેસના કૌભાંડો બોલે છે લખવાનું હતું
2017માં રમણ પટેલે ~4.80 કરોડની જંગમ ને ~51.46 કરોડની સ્થાવર મિલકત બતાવી હતી
ભાજપે વિજાપુર બેઠક પર 64 વર્ષીય રમણભાઇ પટેલને રિપીટ કર્યા છે. એફિડેવિટ પ્રમાણે બીએસસીનો અભ્યાસ કરેલા રમણભાઇ પાસે રૂ.3,31,285ની રોકડ છે. રિટર્નમાં રૂ.57,87,490ની આવક દર્શાવી છે. તેમની પાસે રૂ.25,55,58,727ની જંગમ અને રૂ.69,03,38,000 સ્થાવર મિલકત છે. તેમના પત્ની પાસે રૂ.1,09,16,739ની જંગમ-સ્થાવર મિલકત છે. 2017ની ચૂંટણી સમયે રૂ.4,80,10,918ની જંગમ તેમજ રૂ.51,46,61,200ની સ્થાવર મિલકત બતાવી હતી.
વિજાપુર : સી.જે. ચાવડા
કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડા વકિલાતનો અભ્યાસ કરે છે. તેમની પાસે રૂ.1 લાખ રોકડ છે. રિટર્નમાં રૂ.23,38,257 વાર્ષિક આવક દર્શાવી છે. તેમની પાસે રૂ.4,99,18,949ની જંગમ અને રૂ.2,45,70,000ની સ્થાવર મિલકત છે. તેમનો પરિવાર રૂ.7,94,35,635ની જંગમ-સ્થાવર મિલકત ધરાવે છે. 2017ની ચૂંટણીમાં તેમણે રૂ.1,83,29,461ની જંગમ અને રૂ.3,58,12,000ની સ્થાવર મિલકત દર્શાવી હતી.
પ્રાંતિજ : ગજેન્દ્રસિંહ પરમાર
ભાજપના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારના એફિડેવિટ પ્રમાણે તેઓ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ ધરાવે છે. તેમની પાસે રૂ.1.15 લાખ રોકડ છે. રિટર્નમાં રૂ.16,09,591 આવક દર્શાવી છે. તેમની પાસે રૂ.27,28,932ની જંગમ અને રૂ.18,20,000 સ્થાવર મિલકત છે. પત્ની પાસે રૂ.20,38,209ની જંગમ મિલકત છે. 2017ની ચૂંટણી સમયે રૂ.16,10,234 જંગમ અને રૂ.13,50,000ની સ્થાવર મિલકત દર્શાવી હતી.
વાવ : ગેનીબેન ઠાકોર
ગ્રેજ્યુએટ થયેલાં ગેનીબેન ઠાકોર પાસે રૂ.20 હજારની રોકડ છે. રૂ.20.40 લાખની જંગમ અને રૂ.25.07 લાખની સ્થાવર મિલકત છે. પતિ પાસે રૂ.1,74,728ની જંગમ અને રૂ.13,27,416ની સ્થાવર મિલકત છે. 2017ની ચૂંટણી સમયે રૂ.20,82,905ની જંગમ અને 87 લાખની સ્થાવર મિલકત દર્શાવી હતી. ગેનીબેન વિરુદ્ધ વર્ષ 2017માં ભાભર પોલીસ મથકે આત્મહત્યાના દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાયેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.