હાલાકી:VCEએ લાઈટબિલનાં નાણાં લેવાનું બંધ કર્યું, મહેસાણા તાલુકાના 6 થી વધુ ગામના લોકોને ધરમધક્કા ખાય છે

આંબલિયાસણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના 6 ગામડામાં લાઇટબિલના નાણાં પંચાયતના VCE ઓપરેટરો દ્વારા લેવાનુ બંધ કરી દેતાં નાણાં ભરવા આવતા ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે. આંબલિયાસણ સ્ટેશન, આંબલિયાસણ ગામ, જોરણંગ, જૂની શેઢાવી, નવી શેઢાવી, વડસ્મા, હાડવી, મંડાલી, ધોળાસણ જેવા ગામડામાં આશરે વસતા 7000 જેટલા ગ્રાહકોના લાઈટ બિલના નાણાં સ્વીકારવાનું VCE ઓપરેટરો દ્વારા બંધ કરી દેવાયું છે. આંબલિયાસણ સ્ટેશનના VCE કાનાજી ચૌહાણ અને જોરણંગના VCE દિલીપ આગજાએ જણાવ્યું હતું કે UGCVL ના નિયમ મુજબ અમારે આવેલ બિલના નાણાં દરરોજ કલોલ જમા કરાવવા જવું પડે છે.

જેના લીધે પંચાયતના ઉતારા, નોંધણી સહિતના કામો રહી જાય છે અને બપોર બાદ સમય પણ પૂર્ણ થઈ જાય છે તેમજ આટલી મોટી રકમ લઈને જઈએ અને રસ્તામાં કોઈ બનવા બને તો કોણ જવાબદાર અને બીજા વિકલ્પ તરીકે ગ્રાહક પાસેથી લીધેલા બિલના નાણાં કલોલ નહિ પરંતુ અહીં સ્થાનિક બેંકમાં જમા કરાવીએ તો બેંક દ્વારા કેશ હેન્ડલિંગ ચાર્જ કાપવામાં આવે છે જે આશરે રકમ મુજબ દર મહિને 1000 થી લઈને 2000 થાય છે જે રકમ અમને મળતાં કમિશનમાંથી બાદ કરાય છે.

જેના પરિણામે અમને લાઇટબિલ પર મળતાં કમીશનમાં નહિવત બચત રહે છે અને આ બેંક ચાર્જ અમારા કમિશનમાંથી બાદ નહિ કરવા બાબતે છેલ્લા 2 વર્ષથી લેખિત રજૂઆત UGVCL માં કરાઇ રહી છે. તેમ છતાં કોઈ ઉકેલ નહિ આવતા આ મહિનાથી લાઇટબિલની રકમ સ્વીકારવાનું બંધ કરાયું છે. સરકાર અને UGVCL વચ્ચે થયેલા કરાર મુજબ કમિશન કપાઇ રહ્યું છે અને VCE ની રજૂઆત મુજબ આ અંગે ઉપરી અધિકારીનું ધ્યાન દોરાયું છે.

પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી તેમજ બે દિવસ અમારા કર્મચારી જે તે ગામની પંચાયત પર જઈને લાઈટ બિલના નાણાં સ્વીકાર્યા હતા અને 10 તારીખ બાદ બિલનું કામ પૂરું ગયા બાદ મીટર રીડરને મોકલીને વ્યવસ્થા કરાશે તેવું યુજીવીસીએલ કલોલ વિભાગના બિલીંગ હેડ જીવાભાઈ ભગોરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...