મહેસાણા નગરપાલિકા દ્વારા સિટી-2 વિસ્તારના નાગરિકોને નજીકમાં મૃતકના અંતિમ સંસ્કાર કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા અમદાવાદ હાઇવે પર ખારી નદી અને આરટીઓ કચેરીની વચ્ચે રૂ.4.36 કરોડના ખર્ચે અદ્યતન વૈકુંઠધામ તૈયાર કરાયું છે. જેનું બે વર્ષમાં 95 ટકા કામ પૂરું થઇ ગયું છે. પરંતુ સાબરમતી ગેસલાઇન અને વીજ ડીપી નહીં આવતાં કામ ખોરંભે ચડ્યું છે. સાબરમતીની ગેસલાઇન આવે ત્યાર પછી 15 દિવસમાં વૈકુંઠધામ ઉપયોગ લાયક તૈયાર થઇ જશે તેમ નગરપાલિકા બાંધકામ શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.
નગરપાલિકાના બાંધકામ વિભાગના સૂત્રો મુજબ, પાલાવાસણા ચોકડીથી વૈકુંઠધામ સુધી દોઢેક કિલોમીટર અંતરમાં ગેસલાઇન નાંખવા સાબરમતી ગેસ કંપનીમાં રૂ. 4 લાખ ડિપોઝિટ ભર્યાને ચારેક મહિના થયા છે. પરંતુ, રૂટમાં ગેઇલ અને વન વિભાગની જગ્યા આવતી હોઇ ત્યાંથી ગેસલાઇન પસાર કરવા સાબરમતી ગેસ કંપની દ્વારા બંને જગ્યાએ મંજૂરી માટે પ્રક્રિયા ચાલી રહી છે, મંજૂરી મળે પછી ગેસલાઇન વૈકુંઠધામ સુધી આવશે. પછી જીઇબી પાસે વીજ ટ્રાન્સફોર્મરની માંગણી કરીશું. ગેસલાઇન આવી જાય તો બાકીનું કામ 15-20 દિવસમાં કામ પૂરું થઇ જશે.
શરૂઆતમાં વડલાની આસપાસ દેરીઓ હોઇ શિફ્ટિંગ થયા પછી કામ શરૂ કરી શકી હતી. એટલે મુદત વધારો અપાયો હતો. હવે ગેસલાઇન આવે પછી 15 દિવસમાં કામ પૂરું કરવા મુદત વધારો આપ્યો છે. આરટીઓ નજીક નવા મુક્તિધામ વૈકુંઠધામમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ઇલેક્ટ્રીક ગેસ સગડી માટેનો રૂમ તૈયાર થઇ ગયો છે. અહીં ગેસલાઇન આવે એટલે પેનલ લાઇન ફીટ કરી ઇલેકટ્રીક સગડી મુકાશે. ધુમાડાની ઊંચી ચીમની લાગી ગઇ છે. લાકડાથી અગ્નિદાહ માટે અલાયદો ખુલ્લો પેસેજ તૈયાર કરાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.