ઉત્તર ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે શનિવારે પતંગ રસિયાઓને મોજ કરાવે એવો પ્રતિ કલાકે 3 થી 13 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જ્યારે ઉત્તરાયણના બીજા દિવસે રવિવારે પવનની ગતિ નબળી પડતાં પ્રતિ કલાકે 2 થી 11 કિલોમીટરની ઝડપ રહી શકે છે. બંને દિવસ બપોરે 12 થી 2.30 કલાક દરમિયાન પવનની દિશા વારંવાર બદલાઇ શકે છે. જેને લઇ આ સમયગાળા દરમિયાન પતંગ રસિયાઓને આરામ લેવો પડશે. જોકે, સાંજે ફરી સારો પવન મોજ જાળવી રાખશે. ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પવન માપસરનો રહી શકે છે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં પવનની ગતિ વધુ રહી શકે છે. બીજી બાજુ 2 દિવસ ઉત્તર ગુજરાતમાં 10 ડિગ્રીની આસપાસ ઠંડી રહેવાની શક્યતા છે. પતંગ રસિયાઓને ચાપકા મારતી કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે.
શનિવારે 3 થી 13 કિમી અને રવિવારે 2 થી 11 કિમીની ઝડપે પવન ફૂંકાશે
શનિવારે સવારે 8.30 થી 11.30 સુધી 3 થી 5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ત્યાર બાદ બપોરે 12 થી 2.30 કલાક સુધી પવનની દિશા વારંવાર બદલાતી રહેશે. જોકે, 2.30 કલાકથી સાંજે 5.30 સુધીમાં 6 થી 9 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 15મીને રવિવારે 3 થી 5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
પાટણ : પવનની ગતિ 2 થી 11 કિમીની રહી શકે છે
14 મી એ સવારે 8.30 થી 11.30 કલાક સુધી પવનની ગતિ 3 થી 11 કિલોમીટરની રહી શકે છે. ત્યાર બાદ બપોરે 12 થી 2.30 સુધી પવનની ગતિ 3 કિલોમીટરની રહેશે.
બનાસકાંઠા : પવનની ગતિ 3 થી 10 કિમી રહી શકે છે
14મીએ સવારે 8.30 થી 11.30 કલાક સુધી 6 થી 10 કિલોમીટરની ઝડપે, 2.30 થી સાંજે 5.30 કલાક સુધી 7 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 15 મીએ પવનની ગતિ 2 થી 7 કિલોમીટરની રહી શકે છે.
(સ્ત્રોત : હવામાન વિભાગની વેબસાઇટના ડેટાનું એનાલિસિસ)
મહેસાણામાં 24 કલાકમાં ઠંડી સાડા 4 ડિગ્રી ઘટી 11.3
ભાસ્કર ન્યૂઝ | મહેસાણા ઉત્તર ગુજરાત પરથી શુક્રવારે મોટાભાગે ઉત્તર-પશ્ચિમ દિશાનો ઠંડો પવન ફૂંકાયો હતો. જેને લઇ મુખ્ય 5 શહેરોમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સુધી નીચે આવ્યું હતું. આ સાથે એક સપ્તાહના વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં ચાલુ મહિને ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. નીચા સ્તરના ઠંડા પવનના કારણે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 11.3 થી 12.7 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. 5 શહેરોમાં 11.3 ડિગ્રી સાથે મહેસાણા અને હિંમતનગર ઉત્તર ગુજરાતનું સૌથી ઠંડા શહેર રહ્યા હતા.હવામાન વિભાગની આગાહી મુજબ, 16 જાન્યુઆરી સુધીમાં ઠંડી ત્રણેક ડિગ્રી વધશે. એટલે કે, પારો 10 ડિગ્રીથી નીચે આવી શકે છે.
ઉ.ગુ.માં ઠંડીનો પારો
મહેસાણા 11.3 (-4.5) ડિગ્રી
પાટણ 12.1 (-5.3) ડિગ્રી
ડીસા 11.8 (-6.0) ડિગ્રી
હિંમતનગર 11.3 (-4.7) ડિગ્રી
મોડાસા 12.7 (-2.5) ડિગ્રી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.