હવામાન:ફાગણમાં અષાઢી માહોલ, ઉ.ગુ.માં 22 તાલુકામાં કરા સાથે માવઠું

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર અંબાજીના કાંસાના ડીપ જંગલની છે. જ્યાં દસ મિનિટ સુધી કરા પડ્યા હતા. - Divya Bhaskar
તસવીર અંબાજીના કાંસાના ડીપ જંગલની છે. જ્યાં દસ મિનિટ સુધી કરા પડ્યા હતા.
  • સૌથી વધુ સરસ્વતીમાં પોણા બે ઇંચ, હિંમતનગરમાં દોઢ, સિદ્ધપુર, દાંતા, બહુચરાજી અને પાટણ પંથકમાં પોણો ઇંચ સુધીનો વરસાદ
  • 37 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાતાં મહેસાણા, વિસનગરમાં હોર્ડિંગ્સ, બેનર ઉડ્યાં : એરંડા, વરિયાળી સહિતનો પાક ઢળી પડતાં નુકસાન

ઉત્તર ગુજરાતમાં શુક્રવાર રાત્રે માવઠાં બાદ શનિવાર સાંજે પોણા 6 વાગે અચાનક ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં પવનની ગતિ 37 કિલોમીટરે પહોંચતાં ભારે પવન વાવાઝોડામાં ફેરવાયો હતો. ધૂળિયા વાતાવરણમાં આંખ ખોલવી પણ મુશ્કેલીભર્યું બન્યું હતું. આ દરમિયાન ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કડાકા- ભડાકા અને કરા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. ઉત્તર ગુજરાતમાં શનિવારે સાંજના 4 થી 8 વાગ્યા સુધીના 4 કલાકમાં 22 તાલુકામાં 2 મીમીથી લઇને 41 મીમી એટલે કે પોણા બે ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.

જેમાં સૌથી વધુ પાટણના સરસ્વતી તાલુકામાં પોણા બે ઇંચ, હિંમતનગરમાં દોઢ, સિદ્ધપુર, દાંતા, બહુચરાજી અને પાટણ પંથકમાં પોણો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. આ સિવાયના વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. બહુચરાજીમાં માત્ર 15 મિનિટમાં કરા સાથે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ઊભા ખેતીપાકોને નુકસાનની ચિંતા ખેડૂતોમાં ઊભી થઇ છે.

વરસાદે વાતાવરણ ઠંડુગાર બનાવી દીધું હોય તેમ ગરમી પોણા 3 ડિગ્રી સુધી ઘટી હતી અને પાંચેય શહેરોનું તાપમાન 33 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. સતત વરસાદના કારણે ઉનાળુ સિઝનનો ખેતરમાં ઉભો પાકનો ઓથ વળી જતાં ખેડૂતોની સિઝન બગડી છે.

ઉ.ગુ.માં શનિવારનો વરસાદ

તાલુકોમીમી
સરસ્વતી41
હિંમતનગર33
સિદ્ધપુર21
દાંતા20
બહુચરાજી18
પાટણ16
ડીસા15
સુઇગામ10
વડગામ7
ઇડર7
દાંતીવાડા6
અમીરગઢ6
મોડાસા5
કડી4
વડનગર4
ખેરાલુ3
વિજયનગર2
તલોદ2
જોટાણા2
પાલનપુર1
વિસનગર1
સતલાસણા1
સાંજના 4 થી 8નો વરસાદ

દિવેલા, વરિયાળી અને ઘઉંના પાકને વ્યાપક નુકસાન
કૃષિ વિભાગના સૂત્રો મુજબ, ભારે પવનના કારણે દિવેલાનો પાક અને વરિયાળીનો પાક ભાગી જઇ જમીનદોસ્ત થયા છે. બીજી બાજુ માવઠાંવાળા વિસ્તારોમાં ઘઉંના ઉભા પાકને દાણા પર કાળી ડાઘીઓ પડી જતાં ગુણવત્તા બગડી છે. જેને લઇ ખેડૂતોને સારો ભાવ ન મળતાં આર્થિક નુકસાન થશે.

આગાહી | 25 માર્ચ સુધી છુટાછવાયાં હળવાં ઝાપટાં પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે ઉત્તર ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાદળછાયું રહેવાની સંભાવના છે. આ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપ સુધીનો ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદના હળવા ઝાપટાં પડી છે. આગામી 25 માર્ચ સુધી ઉત્તર ગુજરાત વત્તા ઓછા પ્રમાણમાં વાદળછાયું રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...