આગાહી:બનાસકાંઠામાં કમોસમી વરસાદ, પાટણ અને શંખેશ્વરમાં ઝાપટું પડ્યું, મહેસાણામાં ઝરમર

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે મહેસાણા સહિત ઉ.ગુ.માં પવન, ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી
  • વધુ સાડા 3 ડિગ્રી ઠંડી ઘટી, મહેસાણામાં 18.4 નોંધાઇ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, 2 સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે બુધવારે ઉ.ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે પાટણ અને શંખેશ્વરમાં હળવું ઝાપટું પડ્યું હતું. મહેસાણામાં ઝરમર વરસી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુરૂવારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. સવારે ધુમ્મસ સાથે ઝાકળવર્ષા પણ થશે. બીજી બાજુ, બુધવારે દિવસભર ધૂંધળા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાન સાડા 3 ડિગ્રી સુધી વધતાં સવારનું તાપમાન 18 ડિગ્રી, જ્યારે ગરમીનો પારો સાડા 4 ડિગ્રી સુધી ઘટતાં દિવસનું તાપમાન 23 થી 24 ડિગ્રી વચ્ચે રહ્યું હતું.

સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો 8 થી 10 ડિગ્રી વચ્ચે રહે છે. પરંતુ ચાલુ સાલે કમોસમી વરસાદની સ્થિતિ બનતાં સામાન્ય કરતાં ઠંડીનો પારો 10 ડિગ્રી વધુ રહ્યો છે. બુધવારે વધુ સાડા 3 ડિગ્રી ઠંડી ઘટતાં મહેસાણાનું 18.4, પાટણનું 19.7, ડીસાનું 19.6, ઇડરનું 19.6 અને મોડાસાનું 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

કમોસમી વરસાદથી પાકોમાં રોગ-જીવાતનો ભય
કૃષિ વિભાગ મુજબ, વાદળછાયાં વાતાવરણના કારણે રાઇ, જીરૂ અને વરિયાળીના પાકમાં રોગ-જીવાતનો ભય સેવાઇ રહ્યો છે. જે વિસ્તારોમાં અડધા ઇંચથી વધુ વરસાદ થશે તે વિસ્તારોમાં બટાટા અને ચણા જેવા પાકોમાં ફૂગજન્ય રોગ લાગી શકે છે.

ચોમાસા બાદ ચોથું માવઠું થયું, હજુ 1 વખત થઇ શકે છે
ઉત્તર ગુજરાતમાં ચોમાસા બાદ અત્યાર સુધીમાં 3 વખત માવઠું થઇ ચૂક્યું છે. જેમાં 20 નવેમ્બર, 1 ડિસેમ્બર અને 27-28 ડિસેમ્બરે માવઠું થયું હતું. જોકે, હળવા વરસાદથી પાકને મોટું નુકસાન થયું ન હતું. વેધર એક્સપર્ટ મુજબ, જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ફરી માવઠું થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...