તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તો ખુશ:58 દિવસ પછી આજથી ભક્તો માટે મંદિર અનલોક

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીમાં યાત્રાળુઓ માટે મંડપની વ્યવસ્થા - Divya Bhaskar
બહુચરાજીમાં યાત્રાળુઓ માટે મંડપની વ્યવસ્થા
  • બહુચરાજી,ઊંઝા ઊમિયા માતાજી મંદિર,શામળાજી સહિત મંદિર આજે ખુલશે,અંબાજી મંદિર કાલથી
  • કોરોનાના કેસ ઘટતાં સરકારે સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિર ફરી ખોલવાની છુટ આપી,દર્શનનો સમય રાબેતા મુજબ

મહેસાણા સહિત રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાં ધાર્મિક સ્થાનકો 13 એપ્રિલથી દર્શન માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.હવે રાજ્ય સરકારે ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપતાં બે મહિના બાદ પુન: દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવશે. બહુચરાજી,ઊંઝા ઉમિયા મંદિર,શામળાજી મંદિર શુક્રવારથી ભક્તો માટે ખુલશે.ઊંઝા મંદિરને સેનેટાઈઝ કરાયું હતુ.

મંદિરમાં ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી દર્શન કરવા પડશે. મંદિરના ગર્ભગૃહમાં ભક્તોને પ્રવેશ નહીં મળે. જ્યારે ખેડબ્રહ્મામાં મંદિર ખોલવા માટે આજે બેઠક મળશે ત્યાર બાદ નિર્ણય કરાશે. જ્યારે અંબાજી મંદિર ભક્તોના દર્શન માટે 12મીને શનિવારથી ખુલ્લું મુકાશે. અંબાજીમાં માઁ અંબાના દર્શન માટે ઢાળવાળો રેમ્પ બનાવાયો છે.હાલ દર્શન માટેના સમયમાં કોઈ ફેરફાર કરાયો નથી.

બહુચરાજીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાં ગત 13 એપ્રિલથી રાજ્ય સરકાર દ્વારા મંદિરો બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે રાજ્ય સરકાર દ્વારા શુક્રવારથી મંદિરો ખોલવા અપાયેલી મંજૂરીના પગલે મહેસાણા જિલ્લાના શક્તિપીઠ બહુચરાજી સ્થિત બહુચર માતાજી મંદિરનાં દ્વાર ૫૮ દિવસ પછી દર્શન માટે ખુલ્લા મુકાશે. જેમાં ભક્તો સવારે ૭થી સાંજના ૭ વાગ્યા સુધી દર્શનનો લાભ લઇ શકશે. મંદિરના સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી ગાઈડ મુજબ સેનેટાઈઝર અને માસ્ક સાથે મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે યાત્રાળુ ઓને 50ના લોટમાં પ્રવેશ અપાશે.

આ માટે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બેરીકેટિંગ, સેનેટાઈઝર સ્ટોલ સહિતની તૈયારી ગુરૂવારે પૂરી કરવામાં આવી છે. યાત્રાળુઓને લાઇનમાં તડકોના લાગે તે માટે મંડપની પણ વ્યવસ્થા કરાઈ છે. 2 મહિના બાદ મંદિર ખુલતાં સ્થાનિક માઇભક્તો અને મંદિર બજારના વેપારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 મહિનાથી મંદિર બજારના વેપારીઓની બંધ પડેલી આજીવિકા શરૂ થવાની હોય વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહયો છે.

ઉમિયા મંદિરને સેનેટાઈઝ
ઉમિયા મંદિરને સેનેટાઈઝ

ઉમિયા મંદિર સંસ્થાન દ્વારા તડામાર તૈયારી
11 જૂન થી તમામ ધર્મસ્થળો દર્શનાર્થીઓ માટે ખુલ્લા કરાશે.કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયા માતાજી મંદિરનું સમસ્ત પરિસર ને સેનેટરાઈઝ કરાયું હતુ.તેમજ દર્શનાર્થીઓના પ્રવાહને લઈ સરકારી ગાઈડ લાઇનનું પાલન કરાવવા સંસ્થાન સ્ટાફે તૈયારીઓ કરી છે.ઊંઝા માં ઉમિયા માતાજી મંદિર,દાસજમાં દાસજીયા ગોગા મહારાજ મંદિર,કામલીમાં બ્રહ્માણી માતાજી મંદિર,વરવાડા ચામુંડા માતાજી મંદિર,ઐઠોર ગોગા મહારાજ મંદિર,સુણોકમાં નીલકંઠ મહાદેવ અને સુલેશ્વરી માતાજી મંદિર,મહેરવાડા માં મહાકાળી માતાજી મંદિર,ઉનાવા મીરાદાતાર સહિત ઊંઝા શહેર અને તાલુકા ના તમામ ધર્મ સ્થળો દર્શનાર્થીઓ માટે આજે ખુલશે.

અંબાજીમાં ભક્તો દંડવત પ્રણામ નહીં કરી શકે
અંબાજીમાં ભક્તો દંડવત પ્રણામ નહીં કરી શકે

અંબાજીમાં માઁ અંબાના દર્શન માટે ઢાળવાળો રેમ્પ બનાવાયો
માઁ અંબાના દર્શન સરળતાથી થઇ શકે તે માટે મંદિરના સભાગૃહમાં ઢાળવાળો માર્બલનો રેમ્પ બનાવાયો છે. ટ્રસ્ટના વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે 12 મીથી અંબાજી મંદિરમાં શક્તિદ્વારથી પ્રવેશ અપાશે. જે દર્શનાર્થીએ ઓનલાઈન સ્લોટ બુક કરાવ્યો હશે તેમને વીઆઈપી પ્લાઝા મંદિરમાં સીધેસીધી એન્ટ્રી આપવામાં આવશે. તેમને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. દરેક એન્ટ્રી પર સેનીટાઇઝર સાથે સિક્યુરિટી કર્મીઓ ઉભા રાખવામાં આવશે. દર્શનાર્થીએ રેલિંગને સ્પર્શ કર્યા વિના મંદિરમાં જ્યારે પ્રવેશ કરશે ત્યારે રેમ્પ ઉપરથી પસાર થશે. અહીં ભક્ત દંડવત પ્રણામ નહિ કરી શકે, સોશિયલ ડિસ્ટન્સ સાથે ઊભા રહેવા માટે સ્ટીકર લગાવવામાં આવ્યા છે.

શામળાજી મંદિરના દ્વાર આજે વહેલી સવારે 6:00 ખુલશે
મોડાસા| અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ના દ્વાર આ જે બે મહિના બાદ સવારે 6:00 ખોલવાના હોવાથી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...