તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ઊંઝાની CVK નિધિ ફાયનાન્સ કંપનીમાં 87 રોકાણકારોના રૂ 20.77 લાખ ફસાયા

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના ચેરમેન, એમડી સહિત 4 સામે છેતરપિંડીનો ગુનો
  • કંપનીની માર્કેટિંગ એક્ઝિક્યુટિવે અરજી આપતાં SOGની તપાસ બાદ ફરિયાદ

ઊંઝાના શુકન આર્કેડમાં વર્ષ 2018માં શરૂ કરાયેલી નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની સીવીકે નિધિ લી.ના સંચાલકો 87 રોકાણકારોના રૂ.20.77 લાખ લઈ ફરાર થઈ ગયા છે. કંપનીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવની ફરિયાદ આધારે ઊંઝા પોલીસે કંપનીના ચેરમેન, એમડી, ડાયરેક્ટર અને ઓપરેશનલ મેનેજર સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ઊંઝામાં પાલનપુર હાઈવે ઉપર શુકન આર્કેડની દુકાન નં.14માં વર્ષ 2018માં સીવીકે નિધિ પરિવાર લી. નામની નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની શરૂ કરાઇ હતી. જેમાં કોમલબેન નિકુંજભાઈ કાપડિયાની માર્કેટિંગ એક્ઝિક્યુટિવ તરીકે નિમણૂંક કરાઈ હતી. કંપનીમાં રોકાણકારો પાસેથી દૈનિક બચત, માસિક બચત, ફિક્સ ડિપોઝિટ, એફડી યોજનાઓ હેઠળ રોકાણ મેળવી ઉંચા વ્યાજ સાથે પાકતી મુદતે મેચ્યોરિટીની રકમ પરત આપવા કંપનીએ વિશ્વાસ આપ્યો હતો. તેના આધારે ઊંઝા પંથકના લોકોએ રોકાણ કર્યું હતું. બાદમાં કંપનીએ ઊંઝાની ઓફિસ પાટણ ઓફિસમાં મર્જ કરી દીધી હતી.

પાકતી તારીખે રોકાણનાં નાણાં પરત આપવાથી હાથ અધ્ધર કરી દીધા હતા. કંપનીના માર્કેટિંગ એક્ઝિક્યુટિવે રજૂઆત કરતાં ચેક આપ્યા હતા તે પણ રિટર્ન થયા હતા. તેમણે ગાંધીનગર સ્થિત કંપનીને પુરાવા આપવા છતાં રોકાણકારોનાં નાણાં પરત નહીં મળતાં તેમણે એસપીને અરજી કરતાં એસઓજીના તપાસ રિપોર્ટ આધારે પોલીસે કંપનીના ચેરમેન, એમડી, ડાયરેક્ટર અને ઓપરેશનલ મેનેજર સામે 87 રોકાણકારો સાથે રૂ.20,77,641ની છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

આ સંચાલકો સામે ફરિયાદ
1. છત્રસિંહ ગજેસિંહ સોલંકી ચેરમેન
2. વિજયસિંહ ગજેસિંહ સોલંકી એમડી
3. કમલસિંહ ગજેસિંહ સોલંકી ડાયરેક્ટર
4. કૃપાલસિંહ છત્રસિંહ સંલંકી ઓપરેશનલ મેનેજર, (સીવીકે પરિવાર નિધિ લિમિટેડ, રહે.ગાંધીનગર)

ઊંઝાના ગરીબ-મધ્યમવર્ગ પરિવારોનાં નાણાં ફસાયાં
સીવીકે પરિવાર નિધિ લી.માં ઊંઝા શહેર સહિત ગામડાંના 87 રોકાણકારોએ પોતાની બચતનું રોકાણ કર્યું હતું. કંપનીએ 3 વર્ષ સુધી બચતનાં નાણાં મેળવી પાકતી મુદતે નહીં આપતાં લાખો રૂપિયા ફસાઈ ગયા છે. રોકાણકારોમાં અધિકાંશ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો છે.

અન્ય સમાચારો પણ છે...