ઊંઝાના એક વેપારીએ હાથઉછીના લીધેલા રૂ.50 હજાર પરત આપી દીધા હોવા છતાં તેની ઉઘરાણી કરી ચાર શખ્સોએ કહોડા સર્કલથી ગાડીમાં અપહરણ કરી સિદ્ધપુર-ખેરાલુ હાઇવે ઉપર લઇ જઇ ઢોરમાર માર્યો હતો. આથી વેપારીએ તેના મિત્રને ફોન કરી રૂ.50 હજાર આપી દેવા વાત કરતાં આ શખ્સો વેપારીને પરત કહોડા સર્કલે ઉતારી પોલીસ કેસ થશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ભાગી ગયા હતા.
આ મામલે ઊંઝા પોલીસે ચાર શખ્સો સામે અપહરણ, ગેરવસૂલી માટે ધમકી સહિતનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ઊંઝાના વિસનગર રોડ પર જય અંબેનગર સોસાયટીમાં રહેતા જીરુ-વરિયાળી પેકેજિંગના વેપારી અરવિંદ ડાહ્યાભાઇ પટેલ અને તેમના મિત્ર રાજેશ પટેલ શનિવારે સવારે 11 વાગે બાઇક લઇ કહોડા સર્કલ પરની હોટલે ઊભા હતા.
આઇ ટેન (જીજે 02 બીએચ 7576) લઇને આવેલા ઊંઝાના ગાડીચાલક દશરથભાઇ ચિમનભાઇ પટેલ, જશુભાઇ રબારી, મૌલિક રબારી અને સાગર નામના શખ્સે અરવિંદભાઇને બળજબરી પૂર્વક તેમની ગાડીમાં ખેંચી જઇ ખેરાલુ રોડ પર કહોડા ગામની સીમમાં જાફરાવીર દાદાના મંદિર પાસે લઇ ગયા હતા. જ્યાં ગાડી ઉભી રાખી અરવિંદ પટેલે બે વર્ષ અગાઉ દશરથ પટેલ પાસેથી હાથઉછીના લીધેલા રૂ. 50 હજાર પાછા આપી દીધા હોવા છતાં તેની ઉઘરાણી કરી મારપીટ કરી હતી.
બાદમાં ત્યાંથી ફરી ગાડીમાં નાખી ખેરાલુ રોડ પર આઠેક કિમી દૂર લઇ જઇ મારપીટ કરી સાગર લહેરીના મોબાઇલ ફોનથી અરવિંદ પટેલને તેના મિત્ર ફુલાભાઇ રબારી સાથે વાત કરાવી રૂ.50 હજાર દશરથભાઇ પટેલ વતી સાગર લેહરીને આપી દેવાની વાત કરતાં ફુલાભાઇએ હા પાડી હતી. ત્યાર બાદ ચારેય શખ્સોએ અરવિંદ પટેલને ગાડીમાં નાખી કહોડા સર્કલે ઉતારી, જતાં જતાં પોલીસ કેસ થશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા. જે અંગે પોલીસને જાણ કરી હતી.
બળજબરી પૈસા વસૂલી મામલે 4 સામે ગુનો
આ બનાવ અંગે વેપારી અરવિંદભાઇ ડાહ્યાભાઇ પટેલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ઊંઝાના દશરથ ચિમનભાઇ પટેલ, જશુ રબારી, મૌલિક રબારી અને સાગર વિરુદ્ધ આઇપીસી કલમ 323, 265, 385, 504, 506(2), 114 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.